સુરત, તા. ૧૬: શહેરની સારોલી પોલીસે ગુરુવારે વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરની સૂચનાને પગલે દારૂ અને જુગારની પ્રવૃત્તિને ડામવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે વડોદરા-સુરત રોડ પર અમદાવાદી તવાફ્રાયથી ડી.એમ.ડી. માર્કેટ તરફ જતા માર્ગ પર ગંદા પાણીની ખાડીના બ્રિજ પાસે બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો લઈને ઉભા છે. બાતમીના આધારે સારોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઘટનાસ્થળે છાપો માર્યો હતો.
પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ ૯૮ મોટી બોટલો કબ્જે કરી હતી, જેની કિંમત રૂ. ૨,૬૪,૨૨૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન પણ જપ્ત કર્યા હતા, આમ કુલ મળીને રૂ. ૨,૮૯,૨૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આ મામલે (૧) તરુણ જીવનદાસ નારંગ (ઉં.વ. ૪૬) અને (૨) વસંત ચુનીલાલ મિસ્ત્રી (ઉં.વ. ૩૫) નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી તરુણ નારંગ વિરુદ્ધ અગાઉ પણ પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે આરોપી વસંત મિસ્ત્રી વિરુદ્ધ આ જ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો એક ગુનો નોંધાયેલો છે, જેમાં તેની ધરપકડ બાકી હતી.
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં જુદી જુદી જાણીતી બ્રાન્ડની વ્હિસ્કી અને જીનનો સમાવેશ થાય છે. આ સફળ કાર્યવાહી સારોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે કરી હતી.