અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી કાર્યરત સોલા હાઈકોર્ટ પોલીસની સવેલન્સ સ્કોડે તાત્કાલિક કાર્યવાહી કરીને જ્વેલર્સની દુકાનમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે નોકરી પર રાખેલા એક યુવકની ધરપકડ કરી તેની પાસેથી ચોરી કરેલો તમામ સોનાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સોલા બી.આર.ટી.એસ. પાસે આવેલ “સોના મોહર જ્વેલર્સ”માં સેલ્સમેનની જરૂર હોવાથી દુકાન માલિકે સોશિયલ મીડિયા પર જાહેરાત આપી હતી. આ જાહેરાતના આધારે હર્ગ બિપીનભાઇ સોલંકી નામનો યુવક ઇન્ટરવ્યુ માટે આવ્યો હતો અને તા. ૦૭/૦૪/૨૦૨૫ થી તેણે નોકરી શરૂ કરી હતી. જો કે, નોકરીના બીજા જ દિવસે, તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ સાંજના સમયે આ યુવકે દુકાનમાંથી આશરે ૧૫૪ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત અંદાજે રૂપિયા ૧૨ લાખ ૩૨ હજાર જેટલી થાય છે, તેની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
દુકાન માલિક હર્ષીતકુમાર શાહે તાત્કાલિક સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. સવેલન્સ સ્કોડે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ મેળવી અને ગણતરીના દિવસોમાં જ તેને રાજકોટથી ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી કરેલો મુદ્દામાલ એક ફાયનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને રૂપિયા ૮ લાખ ૬૫ હજારની લોન લીધી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ફાયનાન્સ કંપનીમાંથી ચોરી કરેલો તમામ સોનાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે આરોપી હર્ષ સોલંકીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ જ્વેલર્સની દુકાનમાં કામ કરતો હતો અને દેવામાં ડૂબેલો હોવાથી તેણે ચોરીનું કાવતરું ઘડ્યું હતું.
સોલા પોલીસની આ त्वरित કાર્યવાહીને કારણે જ્વેલર્સને મોટું નુકસાન થતા બચ્યું છે અને આરોપીને પણ ગણતરીના સમયમાં પકડી પાડવામાં સફળતા મળી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે અમદાવાદ પોલીસ ગુનાખોરીને ડામવા માટે સતત સક્રિય છે.