JEE Main પરિણામ જાહેર: 24 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સન્ટાઇલ, ગુજરાતના બે ઝળહળ્યા

by Bansari Bhavsar

અમદાવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main સત્ર 2 ની પરીક્ષાનું પરિણામ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. શુક્રવારે મોડી રાત્રે જાહેર થયેલા આ પરિણામની સાથે જ ટોચના વિદ્યાર્થીઓની યાદી પણ પ્રકાશિત કરવામાં આવી છે. આ વર્ષે ગુજરાત માટે ગર્વની વાત એ છે કે રાજ્યના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને બાજી મારી છે. શિવેન તોષનીવાલા અને અદિત ભગડે નામના આ બે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયી છે.

આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારો હવે JEE Main ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. પરિણામ જોવા માટે, ઉમેદવારોએ તેમના એપ્લિકેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. NTA દ્વારા હાલમાં ફક્ત JEE મેન્સ પેપર 1 (BE/BTech) નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે પેપર 2 (B.Arch/B.Planning) નું પરિણામ હજુ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.

અંતિમ આન્સર કી 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવી

પરિણામ જાહેર કરતાં પહેલાં, NTA એ 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે અંતિમ આન્સર કી પણ જાહેર કરી હતી. આ અંગે NTA દ્વારા અગાઉથી જ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરવામાં આવી હતી કે JEE મુખ્ય સત્ર 2 માટેની અંતિમ આન્સર કી 18 એપ્રિલના રોજ બપોરે 2 વાગ્યે અને પરિણામ 19 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે, NTA એ અંતિમ આન્સર કીમાંથી બે પ્રશ્નોને દૂર કર્યા છે. NTA ના નિયમો અનુસાર, આ દૂર કરાયેલા પ્રશ્નો માટે તમામ ઉમેદવારોને પૂરા ગુણ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવાર 17 એપ્રિલના રોજ પણ NTA એ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન સેશન 2 ની ફાઇનલ આન્સર કી ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર રિલીઝ કરી હતી, પરંતુ થોડા કલાકો બાદ તેને હટાવી દેવામાં આવી હતી.

તમે તમારું સ્કોરકાર્ડ કેવી રીતે જોઈ શકો છો?

તમારું પરિણામ અને સ્કોરકાર્ડ જોવા માટે નીચેના પગલાં અનુસરો:

* સૌ પ્રથમ JEE Main ની ઓફિશિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.

* ત્યારબાદ “સત્ર 2 સ્કોરકાર્ડ” ની લિંક પર ક્લિક કરો.

* હવે તમારી લોગિન વિગતો જેવી કે એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરો અને તેને સબમિટ કરો.

* તમે સ્ક્રીન પર તમારું સ્કોરકાર્ડ જોઈ શકશો. તેને તપાસો અને ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં.

10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, 24 ઉમેદવારોએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા

NTA દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષા માટે કુલ 10,61,840 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી 9,92,350 વિદ્યાર્થીઓએ ખરેખર પરીક્ષા આપી હતી. JEE મુખ્ય સત્ર 2 ની પરીક્ષાનું આયોજન 2 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યું હતું. પેપર 1, પ્રશ્નપત્ર અને ઉમેદવારોના જવાબોની પ્રોવિઝનલ આન્સર કી આ મહિનાની શરૂઆતમાં જ બહાર પાડવામાં આવી હતી, અને ઉમેદવારોને તેમની સામે વાંધો ઉઠાવવા માટે સમય આપવામાં આવ્યો હતો.

Related Posts