અમદાવાદ: મોંઘવારીથી પરેશાન સામાન્ય નાગરિકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના સૌથી મોટા ડેરી સહકારી સંઘ અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની દ્વારા કરવામાં આવેલા જાહેરાત અનુસાર, દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે.
આ ભાવ વધારો આવતીકાલથી એટલે કે 1 મે, 2025થી અમલમાં આવશે. નોંધનીય છે કે આવતીકાલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પણ છે અને આ દિવસે જ ભાવ વધારો લાગુ થતાં ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજો પડશે.
અમૂલ દ્વારા ભાવ વધારા અંગે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભાવ વધારાની અસર અમૂલના તમામ પ્રકારના દૂધ પર જોવા મળશે.
છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલ, અનાજ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે દૂધના ભાવમાં વધારાથી સામાન્ય માણસનું બજેટ વધુ ખોરવાઈ જશે તે નિશ્ચિત છે. ગૃહિણીઓ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બનશે.
અમૂલના આ નિર્ણયથી રાજ્યભરના લાખો ગ્રાહકોને અસર થશે. નિષ્ણાતોનું માનવું છે કે દૂધ જેવી પાયાની જરૂરિયાતની વસ્તુમાં ભાવ વધારો થવાથી અન્ય ખાદ્ય ચીજોના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે.
હાલમાં ગ્રાહકો આ ભાવ વધારાને લઈને ચિંતામાં છે અને સરકાર આ અંગે કોઈ રાહત આપે છે કે કેમ તે જોવું રહ્યું. અમૂલના આ ભાવ વધારાથી અન્ય ડેરીઓ પણ ભાવ વધારો કરે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.