અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા અને તેમના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાણીપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાણીપ પોલીસ લાઈનની પ્રાથમિક શાળા નંબર -૦૩ના પટાંગણમાં આજરોજ પોલીસ કર્મચારીઓના સંતાનો માટે “સમર કેમ્પ”નો શુભારંભ થયો હતો.
આ કેમ્પનું આયોજન માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીની વિસ્તૃત સૂચના અને અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૦૧ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૦૨, સાહેબશ્રી અને મદદનીશ પોલીસ કમિશનર “એલ” ડિવિઝન સાહેબશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં અને તેમના સીધા સુપરવિઝન હેઠળ આ સમર કેમ્પનો પ્રારંભ થયો, જે પોલીસ પરિવારના બાળકો માટે એક આનંદ અને શીખવાનો અવસર બની રહેશે.
આ સમર કેમ્પમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળશે, જેમાં ચિત્રકળા દ્વારા તેમની સર્જનાત્મકતાને પાંખો મળશે, આર્ટ ક્રાફ્ટથી તેઓ નવી વસ્તુઓ બનાવતા શીખશે, સ્વરક્ષણની તાલીમ દ્વારા તેઓ પોતાની જાતને સુરક્ષિત રાખતા શીખશે અને સ્ટોરી ટેલિંગ દ્વારા તેમની કલ્પનાશક્તિ અને ભાષાકીય કૌશલ્યનો વિકાસ થશે. આ તમામ પ્રવૃત્તિઓ માટે નિષ્ણાંતોની ટીમ બાળકોને માર્ગદર્શન આપશે.
પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ સમર કેમ્પ પોલીસ કર્મચારીઓના બાળકો માટે એક યાદગાર અને લાભદાયી અનુભવ સાબિત થશે, તેવું માનવામાં આવે છે. આ પહેલથી પોલીસ પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.