અમદાવાદ: નવરાત્રિના ઉત્સાહને વધારતા, અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા શ્રી રાધે ફાર્મ ખાતે “માઁ નો ગરબો 2025” ના ભવ્ય આયોજન પૂર્વે પ્રિ-નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને ગરબાની રમઝટ માણી હતી. આ પ્રસંગે મહેમાનો અને આયોજકોએ ગરબાના મહોત્સવને સફળ બનાવવા માટે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાયલબેન કુકરાણી (એમએલએ), રીટાબેન પટેલ, બાબુલાલ જમનાદાસ પટેલ, અને સોનાલીબેન યુરેનભાઈ ઉપસ્થિત રહ્યા હતા. “માઁ નો ગરબો” ના આયોજકો મહર્ષિ ગોપાલભાઈ પટેલ, ગોપાલભાઈ અરવિંદભાઈ પટેલ, દીપ કનુભાઈ પટેલ અને વિશ્વ યોગેશ ભાઈ પટેલે તેમનું અભિવાદન કર્યું હતું.
‘માઁ નો ગરબો 2025’: પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ
‘માઁ નો ગરબો 2025’ નું મુખ્ય આયોજન 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 10 દિવસ માટે શ્રી રાધે ફાર્મ ખાતે થવાનું છે. આ વર્ષે આયોજકોએ કાર્યક્રમને વધુ વિશાળ બનાવ્યો છે, જ્યાં દરરોજ 7,000 થી વધુ ખેલૈયાઓ જોડાશે અને કુલ 75,000 થી વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે તેવી અપેક્ષા છે. આ ગરબાની વિશેષતા એ છે કે તેમાં ખાસ મંડળી ગરબા અને ‘વન સ્ટેપ ગરબા’ નું આયોજન કરાયું છે, જે ખાસ કરીને યુવાનો અને કોલેજ સ્ટુડન્ટ્સ માટે એક અનોખો અને સતત આનંદ માણવાનો અનુભવ પૂરો પાડશે.
’શાંકડી શેરી’ ફ્લી માર્કેટનું આકર્ષણ
આ વર્ષે પ્રથમવાર ગરબા સ્થળ પર ‘શાંકડી શેરી’ નામનું ફ્લી માર્કેટ પણ શરૂ કરવામાં આવશે. આ માર્કેટમાં નાના અને ઘરઆંગણેથી ઉદ્યોગ ચલાવતા કારીગરો દ્વારા બનાવેલી ઈમિટેશન જ્વેલરી, હેન્ડક્રાફ્ટેડ એસેસરીઝ, એથનિક વેર, ચણિયાચોળી, હોમ ડેકોર અને અન્ય ફેસ્ટિવલ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ રહેશે. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો છે.
ભવ્ય કલાકારો અને સુરક્ષા વ્યવસ્થા
કાર્યક્રમમાં જાણીતા કલાકારો જેવા કે અશિતા અને અમીપ પ્રજાપતિ, હિમાલી વ્યાસ નાયક, ખુશ્બુ આસોડીયા, કમલેશ બારોટ, આરીફ મીર, તારિકા જોષી, સોનુ ચારણ, મિહિર જાની, અરવિંદ વેગડા સહિત 10 કલાકારો ખેલૈયાઓને મન મૂકીને ઝૂમવા માટે મજબૂર કરશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થળ પર CCTV સર્વેલન્સ અને હાઈ સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે.
પરંપરાગત થીમ અને ખાસ સુવિધાઓ
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ તેની ‘ગામઠી થીમ’ છે, જે ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી કરાવશે. આ ઉપરાંત, 51 શક્તિપીઠની ભવ્ય ઝાંખી પણ રજૂ કરવામાં આવશે, જે દર્શકો માટે ભક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનશે. ખેલૈયાઓ અને મુલાકાતીઓ માટે પૂરતી પાર્કિંગ સુવિધા, ફૂડ કોર્ટ, મેડિકલ ઈમરજન્સી ટીમ અને પરિવાર માટે ખાસ ફેમિલી ઝોન પણ ઉપલબ્ધ રહેશે, જેથી તેઓ આરામથી ઉત્સવનો આનંદ માણી શકે. આ તમામ સુવિધાઓ આ મહોત્સવને સુરક્ષિત અને યાદગાર અનુભવ બનાવશે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માત્ર ગરબા જ નહીં, પરંતુ પરંપરા અને આધુનિકતાનો સંગમ છે, જે નવી પેઢીને મૂળ સંસ્કૃતિ સાથે જોડે છે.