ઓગસ્ટની 19મી તારીખે વિદ્યાર્થી નયનની હત્યાની કરૂણ ઘટના બાદ આખરે લગભગ દોઢ મહિનાના લાંબા વિરામ પછી સેવન્થ ડે સ્કૂલનું વાતાવરણ બદલાયું છે. વાલીઓના પ્રચંડ વિરોધના પગલે બંધ થયેલું ઓફલાઇન શિક્ષણ આજે (3 ઓક્ટોબર) થી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે પુન: શરુ થયું છે. જોકે, આ મંજૂરી શરતી છે અને ભવિષ્યમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાની તમામ જવાબદારી શાળા સંચાલકોની રહેશે.
કડક સુરક્ષા હેઠળ પ્રવેશ: CCTVનો ‘વોચ’, 20 ગાર્ડનો કાફલો
શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ અને વાલીઓની માંગને ગંભીરતાથી લઇને સુરક્ષાનું કવચ તૈયાર કર્યું છે. આજે પ્રથમ દિવસે શાળાના ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા તેમના બેગની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
સૌથી નોંધનીય બાબત એ છે કે હવે શાળામાં 60 નવા CCTV કેમેરા લોબી અને મેદાનમાં લગાવવામાં આવ્યા છે, તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે 20 નવા સિક્યુરિટી ગાર્ડ્સની નિમણૂક કરવામાં આવી છે. અભ્યાસ શરુ કરતા પહેલા વિદ્યાર્થીઓએ મૃતક નયનને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.
વિદ્યાર્થીઓમાં આનંદ અને ‘ડરમુક્ત’ માહોલનો દાવો
ઓનલાઈન શિક્ષણ દરમિયાન બોર્ડની પરીક્ષાની ચિંતામાં રહેલા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઓફલાઈન શિક્ષણ શરૂ થતા ખુશી વ્યક્ત કરી છે. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, “નયન સાથે જે થયું તે ભૂલી શકાય તેમ નથી, પરંતુ તમામ સુરક્ષા વ્યવસ્થા જોઈને આજે શાળામાં આવતા સમયે કોઈ ડર લાગતો નથી. એક મહિના બાદ ફરી ક્લાસરૂમમાં બેસવાનો આનંદ છે.” ઓનલાઈન અભ્યાસમાં પૂરતું માર્ગદર્શન ન મળતું હોવાથી ઓફલાઈન ક્લાસ શરુ થવાથી તેઓ સંતોષ અનુભવી રહ્યા છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલો ડર દૂર કરવા માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.
PEO તરફથી ‘ચેતવણી સાથેની મંજૂરી’
અમદાવાદ શહેરના PEO રોહિત ચૌધરીએ સ્પષ્ટ કર્યું હતું કે વિદ્યાર્થીઓની સલામતી સરકારની પ્રાથમિકતા છે. વાલીઓની સમિતિના સૂચનો અને સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ સૂચનોનું પાલન કરવાની શરતે શાળાને ઓફલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે. PEO ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું કે, “ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બનશે તો તેની તમામ જવાબદારી શાળા સંચાલકોની રહેશે” તે શરતે ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે.
દસ્તાવેજોમાં અનિયમિતતા યથાવત: અંતિમ તક
અહીં મહત્વની વાત એ છે કે શાળામાં ચાલતી તપાસ હજી પૂર્ણ નથી થઈ. PEO ચૌધરીએ જણાવ્યું કે તપાસ સમિતિ દ્વારા શાળામાં ઘણી અનિયમિતતાઓ સામે આવી છે અને શાળાએ હજુ પણ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા નથી. તેમણે ઉમેર્યું હતું કે, “જરૂરી દસ્તાવેજ જમા કરાવવા માટેની બીજી તક શાળાને આપવામાં આવે છે. જો સમયમર્યાદામાં દસ્તાવેજ જમા નહીં થાય તો અનિયમિતતાઓને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવશે.” હાલ પૂરતું કોલેજ અને શાળાના ગેટ અલગ રાખવાની બાહેંધરી શાળા દ્વારા આપવામાં આવી છે.
શાળા ભલે શરુ થઈ ગઈ હોય, પરંતુ સવાલ એ છે કે શું આ કડક સુરક્ષા વ્યવસ્થા અને શરતી મંજૂરીની તલવાર વચ્ચે સેવન્થ ડે સ્કૂલ હવે વિદ્યાર્થીઓ માટે ખરા અર્થમાં ‘ભયમુક્ત’ અને ‘સલામત’ શિક્ષણનું ધામ બની શકશે?