મહિલાની ફેક પ્રોફાઈલ બનાવી અશ્લીલ વીડિયો વાયરલ કરનાર ભેજાબાજને અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હી જઈને દબોચ્યો.

AI નો ઉપયોગ કરીને મહિલાઓના બિભત્સ ફોટા બનાવનાર શખ્સ દિલ્હીથી ઝડપાયો.

by Bansari Bhavsar

અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે શરૂ કરાયેલા “મિશન સાયબર રક્ષિકા: #SecureHerSpace” પ્રોજેક્ટ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. દિલ્હીના એક શખ્સે એક મહિલાની ફેક ઇન્સ્ટાગ્રામ આઈ.ડી.ઓ અને યુટ્યુબ ચેનલ બનાવી, તે મહિલા તથા તેમની માતાના AI દ્વારા મોર્ફ કરેલા બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરી માનસિક રીતે હેરાન કર્યા હતા.

​આરોપી સુમિત સ/ઓ નેમચંદ શર્માએ ઈન્ટરનેટ પર ફરીયાદીશ્રીનો પીછો કરી, સોશિયલ મીડિયા પર તેમના નામના ૮ થી ૧૦ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા અને AI નો ઉપયોગ કરીને ૧૦૦ થી વધુ મોર્ફ કરેલા ફોટા તૈયાર કર્યા હતા. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસીસ અને હ્યુમન ઈન્ટેલીજન્સના આધારે તપાસ કરી, દિલ્હી જઈને આ આરોપીને ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિલાઓએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ હંમેશા પ્રાઈવેટ રાખવી જોઈએ અને અજાણ્યા લોકો સાથે મિત્રતા કરવાનું ટાળવું જોઈએ. જો કોઈ આવી સ્થિતિનો ભોગ બને, તો તાત્કાલિક ૧૯૩૦ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવવી.

Related Posts