અમદાવાદ મહાનગરપાલિકા (AMC) માં ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે ભવ્ય જીત બાદ, હવે વહીવટી તંત્રના સંચાલન માટે મહત્વના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી પદાધિકારીઓની પસંદગી માટેની કવાયત શરૂ થઈ ગઈ છે.
૨૧ કોર્પોરેટરો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય મહત્વના હોદ્દાઓ માટે આજે ૨૧ જેટલા કોર્પોરેટરોએ નિયત ફોર્મ ભર્યા હતા. સવારથી જ આ કોર્પોરેટરો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.
આવતીકાલે થશે નામોની જાહેરાત
આવતીકાલે, ૨૬ મે ના રોજ સવારે ૧૧ વાગ્યે મ્યુનિસિપલ કમિશનર દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા અને દંડકના નામો પણ જાહેર કરવામાં આવશે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી તમામ પદાધિકારીઓની વરણી બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા છે.
વિવિધ હોદ્દાઓ માટે દાવેદારોની ચર્ચા
મેયર પદ: મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે OBC પુરુષ માટે બેઠક અનામત છે. આ માટે હિતેશ બારોટ (થલતેજ), ધરમશી દેસાઈ (બોડકદેવ), દીપક પંચાલ (નિકોલ) અને રાજુ ઠાકોર (વેજલપુર) જેવા નામ ચર્ચામાં છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: આ મહત્વના પદ માટે જૈનિક વકીલ (પાલડી), કમલેશ પટેલ (ખોખરા), પરેશ લાખાણી (નિકોલ) અને રાકેશ પરીખ (સરદાર પટેલ સ્ટેડિયમ) મુખ્ય દાવેદારો માનવામાં આવે છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ દ્વારા અનુભવી અને સીનિયર કોર્પોરેટરોને પ્રાધાન્ય આપવાની પરંપરાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.