અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના સંબંધી સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ કુલ રૂપિયા ૧,૭૫,૦૦,૦૦૦/- (એક કરોડ પંચોતેર લાખ) ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ધંધાના નામે પૈસા લીધા, પરત ન કર્યા
સેટેલાઇટ વિસ્તારમાં રહેતા મહિલાએ તારીખ ૦૨/૧૦/૨૦૨૫ ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન માં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, મહિલાના સંબંધીએ ધંધાના વિકાસ માટે મહિલા પાસેથી પૈસાની માંગણી કરી હતી. સંબંધીએ ખાતરી આપી હતી કે ધંધો સેટ થઈ જતાં જ પૈસા પરત કરી દેવામાં આવશે.
આ વિશ્વાસના આધારે, તારીખ ૧૨/૦૫/૨૦૨૩ ના રોજ, નરનારાયણ કોમ્પલેક્ષ, સ્વસ્તિક ચાર રસ્તા, નવરંગપુરા ખાતે મહિલાના સંબંધી, તેમજ આસ્થા રિએશન ના ભાગીદારો, જેમાં વિવિધ પ્રદીપભાઈ કારીયા અને સાગર ચેતનભાઈ કારીયા નો સમાવેશ થાય છે, તે ત્રણેય ભેગા મળીને મહિલા પાસેથી કુલ રૂ. ૧,૭૫,૦૦,૦૦૦/- મેળવી લીધા હતા.
વિશ્વાસઘાત અને છેતરપિંડીનો આરોપ
ફરિયાદી મહિલાએ આપેલા પૈસા પરત માંગતા, આ ત્રણેય આરોપીઓએ આજદિન સુધી પૈસા પરત કર્યા નથી. આ કૃત્ય બદલ મહિલાએ તેમના વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાનો આરોપ લગાવ્યો છે.
નવરંગપુરા પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એ.સી. ઝાલા ચલાવી રહ્યા છે. વધુ તપાસમાં પોલીસ આ નાણાં ક્યાં વપરાયા અને આરોપીઓની સંડોવણી અંગેની વિગતો મેળવશે.