અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Ahmedabad-Vadodara Expressway) પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય ૧૫ જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર ઘટનાની શરૂઆત બે વાહનો વચ્ચેની બોલાચાલીથી થઈ હતી. એક્સપ્રેસ હાઈવે પર ટ્રાવેલ્સ બસ અને એક કારના ચાલક વચ્ચે કોઈ બાબતે સામાન્ય અકસ્માત થયા બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા બંને વાહનો હાઇવેની બાજુમાં ઊભા રહ્યાં હતાં.
જોકે, આ મામલે સમાધાનની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા એક ટ્રકે ઊભેલી કાર અને ટ્રાવેલ્સ બસને જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.
આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે ટ્રાવેલ્સ બસમાં સવાર અને અન્ય કેટલાક મળીને ૧૫ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઇવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી.