હત્યારાઓ ખુલ્લેઆમ, પોલીસ ક્યાં છે? સુસાઇડ નોટ છતાં આરોપીઓની ધરપકડ કેમ નહીં?

ન્યાય માટે રડતા પરિવારે પોલીસની નિષ્ક્રિયતા પર ઉઠાવ્યા ગંભીર સવાલ; સુસાઇડ નોટમાં પેટ્રોલપંપ માલિકનું નામ

by Bansari Bhavsar

અમદાવાદ:

​શહેરના ખોખરા વિસ્તારમાં પેટ્રોલપંપ કર્મચારી કિરીટકુમાર હેમરાજભાઈ પંચાલ (ઉં.વ. ૩૬)ના આત્મહત્યા કેસે આજે ન્યાયિક અને પોલીસ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મણીનગર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકીને કિરીટભાઈએ જીવન ટૂંકાવ્યું હતું, પરંતુ તેમના મૃત્યુ પાછળનું કારણ તેમની સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખેલું છે: પેટ્રોલપંપ માલિક રસ્મિતસિંગ ગુરુદત્ત અને વાઈડ એંગલ ના માલિક હાર્દિક પટેલ દ્વારા રૂપિયા માટે અપાતો અસહ્ય આર્થિક અને માનસિક ત્રાસ.

​આરોપીઓ કોર્ટમાં, પોલીસ ગેરહાજર

​આ કેસમાં ખોખરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ ગુનો તો દાખલ કર્યો છે, પરંતુ પોલીસની ઢીલી કાર્યવાહી પર આજે કોર્ટ પરિસરમાં જ સવાલો ઊભા થયા હતા.

​સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધરપકડ ટાળવા માટે આરોપીઓ રસ્મિતસિંગ ગુરુદત્ત અને હાર્દિક પટેલ આજે જામીન અરજી પર સહી કરવા માટે કોર્ટ પરિસરમાં હાજર રહ્યા હતા. જોકે, કિરીટભાઈના પરિવારની માગ અને પુરાવાની ગંભીરતા છતાં, ખોખરા પોલીસની ધરપકડ ટીમ જાણી જોઈને ત્યાં હાજર નહોતી. આ ઘટનાએ પોલીસની ભૂમિકાને શંકાના દાયરામાં લાવી દીધી છે.

​વકીલનો સીધો આરોપ: ‘આ કાયદાનું અપમાન છે!’

​મૃતકના પરિવારના વકીલે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ કાયદાનું અપમાન છે. અમારી પાસે કિરીટભાઈએ લખેલી સ્પષ્ટ સુસાઇડ નોટ છે, જેમાં રૂપિયાની ઉઘરાણી અને ધમકીના કારણે આત્મહત્યાની વાત છે. BNSની કલમો હેઠળ આ ગંભીર ગુનો છે, જેમાં ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે. આરોપી ખુલ્લેઆમ કોર્ટમાં આવી શકે છે, પરંતુ ખોખરા પોલીસની ધરપકડ ટીમ ગેરહાજર હોય, તે દર્શાવે છે કે પોલીસ કોઈના દબાણ હેઠળ જાણી જોઈને બેદરકારી દાખવી રહી છે. અમે તાત્કાલિક જામીન રદ કરાવવા અને પોલીસ કમિશનરને બેદરકારી અંગે રજૂઆત કરીશું.”

​પરિવારની વેદના: ‘અમારા ભાઈની હત્યા થઈ છે’

​ન્યાયની અપેક્ષાએ કોર્ટમાં આવેલા કિરીટ પંચાલના ભાઈ/પત્નીએ પણ ભાવુક થઈને ન્યાયની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે, “આરોપીઓ લાંબા સમયથી મારા ભાઈને ત્રાસ આપી રહ્યા હતા. મારા ભાઈએ આત્મહત્યા નથી કરી, આ બંનેએ હત્યા કરવા મજબૂર કર્યા છે. જો આરોપીઓ સામે જામીન માટે કોર્ટમાં આવે અને પોલીસ ધરપકડ ન કરે, તો અમને ન્યાય ક્યાંથી મળશે? અમે સરકાર અને પોલીસને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધરપકડ કરો અને આ ‘હપ્તાખોરો’ને કડકમાં કડક સજા થવી જોઈએ.”

​પોલીસની ભૂમિકા પર સવાલ

​જ્યારે સુસાઇડ નોટ જેવા મજબૂત પુરાવા હાજર હોય અને આરોપીઓ પોતે કાયદાકીય પ્રક્રિયામાં હાજર થતા હોય, ત્યારે પણ પોલીસ દ્વારા ધરપકડ ટાળવાના આ વલણથી પોલીસની પ્રામાણિકતા પર મોટો સવાલ ઊભો થાય છે.

Watch video

​શું પોલીસ કોઈ વગદાર વ્યક્તિ કે રાજકીય દબાણ હેઠળ આરોપી રસ્મિતસિંગ ગુરુદત્ત અને હાર્દિક પટેલને છાવરી રહી છે? આ ગંભીર મામલે અમદાવાદ પોલીસ કમિશનર અને ગૃહ વિભાગે તાત્કાલિક દખલગીરી કરીને આરોપીઓની ધરપકડ કરવા અને કિરીટ પંચાલના પરિવારને ઝડપી ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

Related Posts