અમદાવાદ:
તાજેતરમાં અમદાવાદ એસીબી (ACB) પોલીસ મથકે નોંધાયેલા એમ.એમ. પટેલ કોલેજના ચકચારી લાંચ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ આદેશ આપ્યો છે. આ કેસમાં ફસાયેલા કોલેજના વોચમેન મુરલી મનોહર ઝંડોલ વતી યુવા એડવોકેટ પાર્થવીર જે. ચારણે ધારદાર કાનૂની લડત આપી હાઈકોર્ટમાંથી જામીન મેળવવામાં સફળતા મેળવી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ નિખિલ એસ. કેરિયલે અરજદારના પક્ષે દલીલો સાંભળ્યા બાદ આ મહત્વનો ઓર્ડર (R/CR.MA/1874/2026) પસાર કર્યો છે.
એડવોકેટ પાર્થવીર ચારણની ‘માસ્ટરસ્ટ્રોક’ દલીલો
કોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ પાર્થવીર ચારણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS), 2023 ની કલમ 483 હેઠળ જામીન અરજી રજૂ કરી હતી. તેમની દલીલોમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:
માત્ર આદેશનું પાલન: એડવોકેટ ચારણે કોર્ટને ખાતરીપૂર્વક જણાવ્યું કે, અરજદાર માત્ર એક વોચમેન છે અને તેણે સંસ્થાના ટ્રસ્ટી (મુખ્ય આરોપી) ના સૂચન મુજબ જ નાણાં સ્વીકાર્યા હતા.
ષડયંત્રમાં કોઈ ભૂમિકા નહીં: તેમણે દલીલ કરી હતી કે મુખ્ય ષડયંત્ર (Conspiracy) ટ્રસ્ટી દ્વારા ઘડવામાં આવ્યું હતું. ચોકીદારનો આ ભ્રષ્ટાચારના ઈરાદામાં કોઈ ભાગ નહોતો કે ન તો તેને કોઈ આર્થિક લાભ મળવાનો હતો.
કસ્ટડીની બિનજરૂરિયાત: ચાર્જશીટ પહેલા જ જામીન માટેની રજૂઆત કરતા તેમણે જણાવ્યું કે, તપાસમાં સહકાર આપવા માટે તેમનો અસીલ તૈયાર છે અને તેને જેલમાં રાખવાથી કોઈ હેતુ સર થશે નહીં.
હાઈકોર્ટે પાર્થવીર ચારણની દલીલો ગ્રાહ્ય રાખી
નામદાર હાઈકોર્ટે એડવોકેટ પાર્થવીર ચારણની રજૂઆત સાથે સહમતી દર્શાવતા અવલોકન કર્યું કે:
”અરજદાર સંસ્થામાં વોચમેન તરીકે ફરજ બજાવે છે અને તે માત્ર ટ્રસ્ટીની સૂચનાઓનું પાલન કરતો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. મુખ્ય ષડયંત્રમાં તેની કોઈ ભૂમિકા જણાતી નથી.”
કોર્ટે સુપ્રીમ કોર્ટના ‘સંજય ચંદ્રા વિરુદ્ધ CBI’ ના પ્રખ્યાત જજમેન્ટને ટાંકીને અરજદારને ₹5,000 ના બોન્ડ પર જામીન મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.
કાનૂની ક્ષેત્રે પ્રશંસા
માત્ર એક વોચમેન જેવા સામાન્ય કર્મચારી માટે હાઈકોર્ટ સુધી લડત આપી, કાયદાકીય જટિલતાઓ વચ્ચે “Mens Rea” (ગુનાહિત માનસ) ના અભાવને સાબિત કરવો એ એડવોકેટ પાર્થવીર ચારણની કાનૂની સૂઝબૂઝનો પરિચય આપે છે. આ કેસમાં તેમની સફળતાએ સાબિત કર્યું છે કે જ્યારે વકીલ પાસે સચોટ તથ્યો અને રજૂ કરવાની કળા હોય, ત્યારે ન્યાયતંત્ર પણ માનવીય અભિગમ દાખવે છે.