અમદાવાદ: ભાડે લીધેલી કાર પરત ન કરી ₹12 લાખની છેતરપિંડી, સેટેલાઇટમાં ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં ઓનલાઇન એપ દ્વારા કાર ભાડે મેળવી વિશ્વાસઘાત કરવાની વધુ એક ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલી એક ઓફિસમાંથી મારૂતિ સુઝુકી અટીગા કાર ભાડે લઈ જઈ, ભાડું ન ચૂકવી તેમજ કાર પરત ન આપી ₹12 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે.

​શું છે સમગ્ર ઘટના?

​સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને ઇસ્કોન એપોરીયોમાં ઓફિસ ધરાવતા આનંદભાઇ ધનજીભાઇ પરમાર (ઉ.વ.૩૫) એ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 01/01/2026 ના રોજ આરોપી સમીરહુસેન મહંમદહનીદ મલેક (રહે. સરીયા કોલોની, ફતેવાડી, ગ્યાસપુર) એ આનંદભાઇની ઓફિસ ‘વેલ રાઇડર્સ’ (ઓફિસ નં-242) નો સંપર્ક કર્યો હતો.

​આરોપીએ ઓનલાઇન એપ મારફતે ભાડા કરાર કરીને મારૂતિ સુઝુકી અટીગા (નંબર GJ-10-EH-9599) કાર ભાડે લીધી હતી. જેની કિંમત અંદાજે ₹12,00,000/- થાય છે.

​રૂ. 65,000નું ભાડું બાકી અને કાર ગાયબ

​શરૂઆતમાં વિશ્વાસ આપીને કાર લઈ ગયા બાદ આરોપીએ કરાર મુજબ સમયસર ભાડું ચૂકવ્યું ન હતું. આજદિન સુધીનું કુલ ₹65,000/- ભાડું બાકી હોવા છતાં અને વારંવાર સંપર્ક કરવા છતાં આરોપીએ કાર પરત કરી નથી કે બાકી નાણાં ચૂકવ્યા નથી. આનંદભાઇને પોતાની કાર પરત ન મળતા અને છેતરાયા હોવાનો અહેસાસ થતા આખરે તેમણે પોલીસનો સહારો લીધો છે.

​પોલીસ કાર્યવાહી

​આનંદભાઇ પરમારની ફરિયાદના આધારે સેટેલાઇટ પોલીસે આરોપી સમીરહુસેન મલેક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. ખાંટ ચલાવી રહ્યા છે. પોલીસ હવે આરોપીને ઝડપી પાડવા અને કાર ક્યાં સગેવગે કરવામાં આવી છે તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts