ઘાટલોડિયાની શુકનિકેતા પાર્ક સોસાયટીમાં થયેલ લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: LCB ઝોન-1 એ રાજસ્થાની શખ્સને દબોચ્યો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શુકનિકેતા પાર્ક સોસાયટીમાં ગત જાન્યુઆરી માસમાં થયેલી મોટી ઘરફોડ ચોરીના ગુનાનો એલ.સી.બી. ઝોન-1 ની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ₹38.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​ઘાટલોડિયાની શુકનિકેતા પાર્ક સોસાયટીના મકાન નંબર A/9 માં ગત તા. 22/01/2026 થી 25/01/2026 દરમિયાન ઘરના સભ્યો બહાર ગયા હતા, ત્યારે રાત્રિના સમયે અજ્ઞાત તત્વોએ ધાબા પરથી વેન્ટિલેશન બારીના કાચ ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના સહિત આશરે ₹13,03,808/- ની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​200 થી વધુ CCTV કેમેરાની તપાસ

​ગુનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર જી.એસ. મલીક અને સેક્ટર-1 જેસીપી નીરજ કુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-1 ની ટીમે તપાસ હાથ ધરી હતી. PSI જે. કે. ચાવડાની ટીમ દ્વારા ઘટનાસ્થળની આસપાસના 200 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન એક મોટરસાયકલ (નંબર: RJ-12-NS-1847) પર ત્રણ શંકાસ્પદ ઈસમો રેકી કરતા જણાયા હતા.

​બાતમીના આધારે ધરપકડ અને મુદ્દામાલની રિકવરી

​LCB ની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે, આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.

​પકડાયેલ આરોપી: દિનેશ હલીયા મીણા (ઉં.વ. 24, રહે. ડુંગરપુર, રાજસ્થાન)

​કબજે કરેલ મુદ્દામાલ:

​સોનાના દાગીના: કિંમત ₹37,39,000/-

​ચાંદીના દાગીના: કિંમત ₹84,255/-

​મોટરસાયકલ અને મોબાઈલ: કિંમત ₹40,000/-

​કુલ રિકવરી: ₹38,63,255/-

​હજુ બે આરોપીઓ ફરાર

​પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ચોરીમાં દિનેશ સાથે અન્ય બે શખ્સો, કમલેશ ગંગારામ મીણા અને ઈશ્વર શંકર મીણા (બંને રહે. રાજસ્થાન) પણ સામેલ હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરી બદલ LCB ઝોન-1 ના સ્ટાફની પ્રશંસા કરવામાં આવી રહી છે.

Related Posts