ગુજરાત સરકારનો મોટો નિર્ણય: હવે પ્રેમ લગ્નની નોંધણી માટે માતા-પિતાની સંમતિ હશે ફરજિયાત

by Bansari Bhavsar

ગાંધીનગર:

​ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ મેરેજ એક્ટ-૨૦૦૬’ માં સુધારા કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો મુજબ, હવે રાજ્યમાં કોઈપણ લગ્નની સત્તાવાર નોંધણી માટે નવદંપતીએ તેમના માતા-પિતાની લેખિત પરવાનગી રજૂ કરવી ફરજિયાત રહેશે.

​નવા નિયમોની મુખ્ય વિશેષતાઓ:

​માતા-પિતાની સંમતિ: ભાગીને અથવા પ્રેમ લગ્ન કરનાર યુગલો માટે હવે લગ્ન નોંધણી કરાવતી વખતે માતા-પિતાની સહી અને સંમતિ લેવી અનિવાર્ય બનશે.

​સ્થાનિક નોંધણી: લગ્નની નોંધણી હવે જે-તે સ્થાનિક વિસ્તારમાં જ કરાવવી પડશે, જેથી કોઈ વ્યક્તિ અન્ય જિલ્લામાં જઈને ગુપ્ત રીતે લગ્ન ન કરી શકે.

​ક્લાસ-૨ અધિકારીની મંજૂરી: ભાગીને કરેલા લગ્નની નોંધણી માટે હવે માત્ર તલાટી પૂરતા નથી, પરંતુ ક્લાસ-૨ કક્ષાના અધિકારીની મંજૂરી લેવી જરૂરી બની શકે છે.

​૩૦ દિવસનો નોટિસ પિરિયડ: લગ્ન નોંધણી માટે અરજી કર્યા બાદ તંત્ર દ્વારા વાલીઓને લેખિત નોટિસ મોકલવામાં આવશે, જેમાં તેઓ ૩૦ દિવસમાં પોતાનો વાંધો નોંધાવી શકશે.

​સરકારનો અભિગમ:

​નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સરકાર પ્રેમની વિરોધી નથી, પરંતુ પ્રેમની આડમાં જે અસામાજિક તત્વો દીકરીઓને ફોસલાવીને તેમનું શોષણ કરે છે, તેમની સામે આ કાયદાકીય કડકાઈ અનિવાર્ય છે. આ સુધારો દીકરીઓની સુરક્ષા માટે એક મજબૂત કવચ તરીકે કામ કરશે.”

​જનતા પાસેથી સૂચનો મંગાવાયા:

​સરકારે આ નવા નિયમોના ડ્રાફ્ટ પર સામાન્ય નાગરિકો પાસેથી આગામી ૩૦ દિવસ સુધી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. યોગ્ય અને તાર્કિક સૂચનો પ્રાપ્ત થયા બાદ જ આ કાયદાને આખરી ઓપ આપવામાં આવશે.

Related Posts