અમદાવાદ:
શહેરમાં નાસતા-ફરતા અને પેરોલ જમ્પ કરનાર ગુનેગારોને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નરોડા પોલીસને મોટી સફળતા મળી છે. સીટી સેશન્સ કોર્ટ ભદ્ર દ્વારા જેની સામે સી.આર.પી.સી. કલમ ૮૨ અને ૮૩ મુજબ ફરાર જાહેર કરવામાં આવ્યો હતો, તેવા આરોપી રોશનસિંગ નરેન્દ્રસિંગ સોલંકીને નરોડા પોલીસે આખરે દબોચી લીધો છે.
શું હતો સમગ્ર મામલો?
વર્ષ ૨૦૧૩માં નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી રોશનસિંગ વિરુદ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), ૩૨૬ અને ૨૯૪(ખ) મુજબ ગંભીર ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી નાસતો-ફરતો હતો. વર્ષ ૨૦૧૮થી તે કોર્ટની મુદતોમાં હાજર ન રહેતા, સીટી સેશન્સ કોર્ટ ભદ્ર દ્વારા તેની સામે કલમ-૮૨, ૮૩ મુજબ ફરાર હોવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
તિરુપતિ બાલાજીમાં મજુરી કરી છુપાયો હતો આરોપી
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આરોપી પોતાની ધરપકડથી બચવા માટે આંધ્રપ્રદેશમાં બાલાજી તિરુપતિ મંદિર આસપાસના વિસ્તારમાં છૂટક મજૂરી કામ કરતો હતો. છેલ્લા આઠ વર્ષથી તે પોલીસને થાપ આપી પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી તે અમદાવાદ પરત આવ્યો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી.
ટીમ વર્ક અને સફળ ઓપરેશન
પોલીસ કમિશનરશ્રી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ નરોડા પો.ઇન્સ. પી.વી. ગોહીલના માર્ગદર્શનમાં પી.એસ.આઈ. વી.આર. ચૌધરીની સર્વેલન્સ ટીમ કાર્યરત હતી. દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ બાબુભાઈ અને પિયુષભાઈ કરમશીભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ૩૫ વર્ષીય રોશનસિંગ સોલંકીને તેના રહેઠાણ (કૃષ્ણનગર, નરોડા) ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ સફળ કામગીરીમાં મહેશભાઈ લાભુભાઈ, ઉત્તમકુમાર ગણપતભાઈ અને મનીષભાઈ ગણેશભાઈ સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી છે.
ઝડપાયેલ આરોપીની વિગત:
નામ: રોશનસિંગ નરેન્દ્રસિંગ સોલંકી (ઉં.વ. ૩૫)
સરનામું: ૪/૫૫, શિવ એપાર્ટમેન્ટ, નોબલ સ્કુલની બાજુમાં, કૃષ્ણનગર, નરોડા, અમદાવાદ.