અમદાવાદ: શહેરમાં રોકાણના નામે નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ચાઇનીઝ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ દ્વારા એક ફરિયાદી સાથે રૂ. ૧,૫૪,૦૦,૦૦૦/- (એક કરોડ ચોપ્પન લાખ) ની છેતરપિંડી કરનાર ટોળકીના પાંચ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં આશ્ચર્યજનક રીતે ખાનગી બેંકના બ્રાન્ચ મેનેજર અને અન્ય ઉચ્ચ હોદ્દા પરના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
શું હતી આખી ઘટના?
ફરિયાદીને ગત તા. ૧૫/૧૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૬ દરમિયાન ‘સાનીયા જોષી’ નામના આઈડી અને ‘BARCLAYS-Stock Market Pioneer’ નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા લાલચ આપવામાં આવી હતી. રોકાણકારોને એક ફેક એપ્લિકેશન (portfoliobufi.icu) ડાઉનલોડ કરાવી, તેમાં શેર અને IPO માં રોકાણ કરી વધુ નફો મેળવવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ ₹૧.૫૪ કરોડ અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવ્યા હતા, જે પરત ન મળતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.
મોડસ ઓપરેન્ડી: બેંક કર્મચારીઓની મિલીભગત અને ગોલ્ડમાં રૂપાંતર
આ ગેંગની કામ કરવાની રીત અત્યંત શાતિર હતી:
બેંકમાં છેડછાડ: આરોપી બેંક કર્મચારીઓ બેંકના નિયમોનું ઉલ્લંઘન કરી, ખાતાધારકની હાજરી વગર જ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ બદલી નાખતા હતા.
સ્વીપ એફ.ડી.: ફ્રોડના નાણાંને બેંકમાં ‘સ્વીપ એફ.ડી.’ (Sweep FD) કરાવી દેવામાં આવતી હતી.
સોનાની ખરીદી: ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ કરી ‘તનિષ્ક’ જેવા પ્રતિષ્ઠિત જ્વેલર્સના શો-રૂમમાંથી સોનાની ખરીદી કરવામાં આવતી હતી જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે.
ઝડપાયેલા આરોપીઓની વિગત
પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ભાવનગર, સુરત અને અમદાવાદથી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી છે:
હરેશ શામજીભાઇ મકવાણા (સુરત): જેમના ખાતામાં ફ્રોડના નાણાં જમા થતા હતા.
રાજુભાઇ માધુ ભાઇ મકવાણા (ભાવનગર): ખાતાધારકોના એકાઉન્ટ ખોલાવવાનું અને કિટ ચલાવવાનું કામ કરતો હતો.
મહેશ રાજેશકુમાર તારાણી (અમદાવાદ): ઇન્ડસઇન્ડ બેંક, ગોતા બ્રાન્ચમાં રિલેશનશિપ એકાઉન્ટ મેનેજર.
પૂજાબેન ફેડ્રીક પરીયત (અમદાવાદ): ઇન્ડસઇન્ડ બેંક, ન્યૂ ચાંદખેડા બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર.
હીના દિવ્યમ દરજી (અમદાવાદ): ઇન્ડસઇન્ડ બેંક, ન્યૂ ચાંદખેડા બ્રાન્ચમાં ઇ.સી.બી.ડી. મેનેજર.
૪૧૪ ફરિયાદો સાથે કનેક્શન
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ ગેંગ સાથે સંકળાયેલા બેંક એકાઉન્ટ્સના આધારે દેશભરમાં અલગ-અલગ રાજ્યોમાં કુલ ૪૧૪ ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોંઘા આઇફોન, લેપટોપ, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ સહિત કુલ ₹૧,૦૭,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની કામગીરી
આ સમગ્ર ઓપરેશન પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. એન.આર. ગામીત અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.
સાયબર ક્રાઇમની ચેતવણી: અજાણ્યા વોટ્સએપ કે ટેલિગ્રામ ગ્રુપમાં શેરબજારમાં રોકાણની લાલચ આપતી લિંક્સથી સાવધ રહો. કોઈપણ અનધિકૃત એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં.