અમદાવાદના રાણીપમાં ધોળા દિવસે સોસાયટીમાં તસ્કરોનો તરખાટ: ૫.૭૫ લાખના દાગીનાની ચોરી

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી પાર્થ સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.

​શું હતી ઘટના?

​મળતી માહિતી મુજબ, રાણીપના રાધાસ્વામી રોડ પર આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા કુસુમબહેન કારેલીયા (ઉ.વ. ૬૨) તેમના ઘરેથી બહાર ગયા હતા. ગત તા. ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સવારના ૧૧:૦૦ વાગ્યાથી સાંજના ૫:૩૦ વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરની લોખંડની જાળી અને મુખ્ય દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો.

​ઘરમાં પ્રવેશ્યા બાદ તસ્કરોએ બેડરૂમમાં રહેલી તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા અને તેમાંથી સોનાના ચેઈન, બુટ્ટી, બ્રેસલેટ, ચાંદીના સિક્કા અને અન્ય કિંમતી દાગીના મળી કુલ રૂપિયા ૫,૭૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

​પોલીસ તપાસ શરૂ

​ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પો.ઈ.શ્રી કે.આઈ. વ્યાસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી અને ટેકનિકલ પુરાવાના આધારે તસ્કરોને પકડવાની કવાયત તેજ કરી છે.

​ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની અને નાગરિકોને સુરક્ષા અંગે સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે.

Related Posts