અમદાવાદ: T-20 વર્લ્ડ કપ ફાઈનલની ટિકિટોનું કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો, રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે 8 ટિકિટો કબજે કરી.

by Bansari Bhavsar

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T-20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈને સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ઉત્સાહનો ગેરફાયદો ઉઠાવી ટિકિટોના કાળાબજાર (Black Marketing) કરતા તત્વો પણ સક્રિય થયા હતા. અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે કાર્યવાહી કરી એક શખ્સને 8 ટિકિટો સાથે ઝડપી પાડ્યો છે.

​ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

​રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, ત્યારે અ.હે.કો. વખતસિંહ વાઘસિંહને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન ગ્રાઉન્ડ પાસે ફૂટપાથ પર એક શખ્સ જાહેરમાં ભારત-ન્યૂઝીલેન્ડ ફાઈનલ મેચની ટિકિટો ઊંચા ભાવે વેચી રહ્યો છે.

​બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ચેતન ઉર્ફે દેવ ઉર્ફે ગોલુ સુનિલ મસ્કરા (ઉ.વ. ૨૨) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ યુવક મૂળ ઓડિશાનો રહેવાસી છે અને હાલ બેંગલુરુમાં ઈન્ટર્નશિપ કરે છે.

​₹4,000ની ટિકિટ ₹10,000માં વેચવાનો હતો ઈરાદો

​પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ દરની કુલ 8 ટિકિટો કબજે કરી છે, જેની વિગતો નીચે મુજબ છે:

​₹4,000ની કિંમતની 2 ટિકિટ

​₹3,500ની કિંમતની 2 ટિકિટ

​₹3,000ની કિંમતની 2 ટિકિટ

​₹2,000ની કિંમતની 2 ટિકિટ

​આરોપીએ આ ટિકિટો ઓનલાઇન બુક કરાવી હતી અને તે ટિકિટ દીઠ ₹8,000 થી ₹10,000 જેવા ઊંચા ભાવ વસૂલીને કાળાબજાર કરવાની પેરવીમાં હતો. પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટની કલમ ૩૩(૧)(X) અને ૧૩૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​ક્રિકેટ પ્રેમીઓને પોલીસની અપીલ

​અમદાવાદ પોલીસે ક્રિકેટ પ્રેમીઓને અપીલ કરી છે કે આવી રીતે કાળાબજારમાં ટિકિટ ખરીદવી નહીં અને જો કોઈ વ્યક્તિ આવી પ્રવૃત્તિ કરતો જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.

​આ કામગીરીમાં સામેલ પોલીસ ટીમ:

પી.આઈ. જી.એમ. ચૌધરી, ASI દીપકકુમાર, અ.હે.કો. વખતસિંહ, અ.પો.કો. અમરતજી, પો.કોન્સ. ભુપેન્દ્રકુમાર અને ડ્રાઈવર એઝાજખાન દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

Related Posts