અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ અમદાવાદ પોલીસ દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત એલ.સી.બી. (LCB) ઝોન-1 ની ટીમે સોલા રોડ પર આવેલા એક સ્ટોર પર દરોડો પાડીને અલગ-અલગ જાણીતી બ્રાન્ડની ૧૩૨ ડુપ્લીકેટ ઘડિયાળો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદ શહેર પોલીસ કમિશનર, સેક્ટર-1 ના અધિક પોલીસ કમિશનર નીરજકુમાર બડગુજર અને ઝોન-1 ના નાયબ પોલીસ કમિશનર હર્ષદ પટેલની સૂચના મુજબ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે LCB ઝોન-1 ની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, સોલા વંદે માતરમ રોડ પર આવેલા ‘ક્વિક સ્ટોર’ ના માલિક મૌલિક અશ્વિનભાઈ પારેખ પોતાની દુકાનમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ઘડિયાળોનું વેચાણ કરી રહ્યા છે.
મુદ્દામાલની વિગત
બાતમીના આધારે PSI જી.કે. ચાવડા અને તેમની ટીમે દરોડો પાડતા સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો હતો:
એડમર પીઝટ (Audemars Piguet): ૨૦ નંગ ઘડિયાળ
કેસીઓ એડિફિસ અને જી-શોક (Casio Edifice & G-Shock): ૧૦૨ નંગ ઘડિયાળ
બુલગારી (Bvlgari): ૧૦ નંગ ઘડિયાળ
કુલ મુદ્દામાલ: ૧૩૨ નંગ ઘડિયાળો (જેની અંદાજિત કિંમત ₹૨,૭૯,૦૦૦/- થાય છે)
આરોપીની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી
પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય મૌલિક અશ્વિનભાઈ પારેખની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ની કલમ ૫૧, ૬૩ અને ૬૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સફળ કામગીરીમાં LCB ઝોન-1 ના PSI જી.કે. ચાવડા સહિત મયુરધ્વજસિંહ, ઇન્દ્રજીતસિંહ, આકાશભાઈ, અને અન્ય હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલો જોડાયા હતા. પોલીસની આ સરાહનીય કામગીરીથી નકલી બ્રાન્ડેડ વસ્તુઓ વેચતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.