બારડોલીમાં પોલીસની ખોટી ઓળખ આપી ગેસ એજન્સી પાસેથી નાણાં પડાવતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ; રૂ. ૩૦.૫૧ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

​બારડોલી, સુરત:

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામની હદમાં ગેસના બાટલા સપ્લાય કરતા વેપારીને ડરાવી-ધમકાવી પોલીસના નામે નાણાં પડાવતી એક શાતિર ગેંગને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પેરોલ ફ્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશનમાં ઝડપી પાડી છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતોની ધરપકડ કરી તેમની પાસેથી બે લક્ઝુરિયસ સ્કોર્પિયો કાર સહિત કુલ રૂ. ૩૦,૫૧,૬૭૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

​ઘટનાની વિગત: ‘કિરણભાઈ’ બનીને કર્યો હતો તોડ

​ગત દિવસોમાં ભારત ગેસ એજન્સીનો ટેમ્પો (નં. GJ-26-T-0274) વાંકાનેર ગામ પાસે ગ્રાહકોને ગેસ સિલિન્ડર આપવા જઈ રહ્યો હતો. આ દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ ટેમ્પો રોકી, વિડિયો ઉતારી “તમે કાળાબજારમાં ગેસ વેચો છો” તેમ કહી ધમકાવવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ એજન્સીના માલિકને ફોન કરી પોતાની ઓળખ LCB/SOG ટીમના ‘કિરણભાઈ’ તરીકે આપી હતી. પોલીસ કેસ કરવાની અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી આરોપીઓએ વેપારી પાસેથી રૂ. ૫૦,૦૦૦/- બળજબરીથી પડાવી લીધા હતા.

​પોલીસની કાર્યવાહી અને તપાસ

​આ મામલે બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને મે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ ના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમો કાર્યરત થઈ હતી.

​ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ મોતા ગામની એકલવ્ય સ્કૂલ પાસે નહેર નજીક કાળી અને સફેદ સ્કોર્પિયો કાર સાથે ઉભા છે. પોલીસે તાત્કાલિક રેડ પાડી ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા.

​ઝડપાયેલા આરોપીઓના નામ:

​૧. સલીમ નસીરખાન મેહર (રહે. મોસાલી, મૂળ રાજસ્થાન)

૨. ઉમરસખીર મોહમદ શરીફ કલર (રહે. વાલોડ, મૂળ રાજસ્થાન)

૩. યાસીન ઉર્ફે આસીન મોહમદ શરીફ કલર (રહે. માંડવી, મૂળ રાજસ્થાન)

(નોંધ: સીકાંદર મુસેખાન કલર નામનો આરોપી હાલ વોન્ટેડ છે.)

​કબજે કરેલ મુદ્દામાલ:

​રોકડ રકમ: રૂ. ૫૬,૬૭૦/-

​મોબાઈલ ફોન (૩): રૂ. ૯૫,૦૦૦/-

​મહિન્દ્રા સ્કોર્પિયો S11 (કાળી): રૂ. ૧૫,૦૦૦,૦૦/-

​મહિન્દ્રા સ્કોર્પિયો S11 (સફેદ): રૂ. ૧૫,૦૦૦,૦૦/-

​કુલ કિંમત: રૂ. ૩૦,૫૧,૬૭૦/-

​હાલમાં પોલીસે ગુનામાં વપરાયેલા બંને વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે અન્ય કોઈ સ્થળે પોલીસ કે સરકારી અધિકારીના નામે તોડબાજી કરી છે કે કેમ, તે દિશામાં પણ સઘન પૂછપરછ ચાલુ છે.

Related Posts