નરોડા પોલીસની મોટી કાર્યવાહી: ૮૯ લાખની જૂની ચલણી નોટો સાથે ૨ શખ્સો ઝડપાયા, કુલ ૬ સામે ફરિયાદ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ભારત સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની ચલણી નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે બે મુખ્ય આરોપીઓની અટકાયત કરી કુલ ૬ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

​શું છે સમગ્ર મામલો?

​નરોડા પોલીસ ઇન્સ્પેક્ટર પી.વી. ગોહીલના માર્ગદર્શન હેઠળ ગત ૩ માર્ચ, ૨૦૨૬ના રોજ પી.એસ.આઈ. વી.આર. ચૌધરી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક કાર (નંબર GJ-02-CP-4996) માંથી રદ થયેલી ૫૦૦ ના દરની ૯૧૦૦ નોટો અને ૧૦૦૦ ના દરની ૪૩૫૦ નોટો મળી આવી હતી.

​કુલ રોકડ: ₹૮૯,૦૦,૦૦૦ (જૂની નોટો)

​કારની કિંમત: ₹૧,૦૦,૦૦૦

​કુલ મુદ્દામાલ: ₹૯૦,૦૦,૦૦૦

​આરોપીઓની ધરપકડ અને કાયદાકીય કાર્યવાહી

 

​પોલીસે સ્થળ પરથી બે શખ્સો, અનીલ લીલાભાઇ દેસાઈ (રબારી) અને કૃષ્ણપાલસિંહ ભાવસિંહ સોઢા (બંને રહે. જુના માંકા, તા. હારીજ, જી. પાટણ) ને ઝડપી પાડ્યા હતા. આ બંને શખ્સો અભ્યાસ કરે છે તેમ પૂછપરછમાં બહાર આવ્યું છે.

​શરૂઆતમાં આ શખ્સોને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૩૫(૧)ઇ મુજબ અટકાયત કરી જામીન મુક્ત કરાયા હતા. જોકે, નોટોની માલિકી અંગેના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા, પોલીસે હવે કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ ‘ધ સ્પેશીફાઈડ બેંક નોટસ (સેશેસન ઓફ લાયેબીલીટીઝ) એક્ટ ૨૦૧૭’ ની કલમ ૭ મુજબ NC (Non-Cognizable) ગુનો દાખલ કર્યો છે.

​તપાસ હેઠળના અન્ય આરોપીઓ:

​૧. અનીલ લીલાભાઇ દેસાઈ

૨. કૃષ્ણપાલસિંહ ભાવસિંહ સોઢા

૩. લક્ષમણભાઇ રૂપાભાઇ દેસાઈ

૪. જયેશ ઉર્ફે જય ગોવિંદભાઇ પટેલ

૫. મુકેશભાઇ રબારી

૬. જીતેન્દ્રસિંહ રાઠોડ

​હાલ નરોડા પોલીસે આ મામલે વધુ તપાસ કરવા માટે નામદાર કોર્ટ પાસેથી મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Related Posts