શાહઆલમમાં બગમેન ટૂ-વ્હીલરની ડિક્કી તોડનાર રીઢો ગુનેગાર જેલહવાલે: ૧૩ ગુનાનો ઇતિહાસ ધરાવતો ‘કાલો’ પકડાયો

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં વાહનોની ડિક્કી તોડી રોકડ રકમની ચોરી કરતી ટોળકીઓને પકડી પાડવા માટે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. આ અંતર્ગત શાહઆલમ વિસ્તારમાં પાર્ક કરેલા એક ‘બગમેન’ ટૂ-વ્હીલરની ડિક્કી તોડી ૧,૮૦,૦૦૦ રૂપિયાની ચોરી કરનાર રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

​બાતમીના આધારે ઓપરેશન

​અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પાસે આવેલા કોતરપુર વળાંક પાસેથી એક શંકાસ્પદ ઈસમને રોકવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂપિયા ૧,૮૦,૦૦૦/- મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ રકમ તેણે શાહઆલમ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનની ડિક્કી તોડીને ચોરી કરી હતી. આ સફળતાથી ઈસનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

​ઝડપાયેલ અને ફરાર આરોપીની વિગત

​ઝડપાયેલ આરોપી: નિલેશ ઉર્ફે કાલો ખુમાનસિંહ મુરાભાઈ મિનેકર (ઉં.વ. ૩૦, રહે. છારાનગર, સરદારનગર).

​ફરાર આરોપી: મુક્તિ નારેશ ઈન્દ્રકર (રહે. છારાનગર, અમદાવાદ).

​આરોપીનો ગુનાહિત ઇતિહાસ

​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી નિલેશ ઉર્ફે કાલો રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં અમદાવાદના મેઘાણીનગર, શાહીબાગ, સરદારનગર, સોલા હાઈકોર્ટ, બાપુનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશન ઉપરાંત વાપી, અંકલેશ્વર અને માણસામાં મળીને કુલ ૧૩ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ચોરી, લૂંટ અને પ્રોહિબિશન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

​બીજી તરફ, ફરાર આરોપી મુક્તિ નારેશ ઈન્દ્રકર પણ નવરંગપુરા, બાપુનગર, મોરબી અને જેતપુર સહિતના વિસ્તારોમાં ચોરીના ૭ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે.

​રિકવર કરેલ મુદ્દામાલ

​પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા પૂરેપૂરા ૧,૮૦,૦૦૦/- રોકડા રૂપિયા જપ્ત કર્યા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts