અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં છેલ્લા આઠ મહિનાથી આતંક મચાવનાર અને રાત્રિના સમયે ખેતરમાં સૂતેલા ખેડૂતો તેમજ મહિલાઓને નિશાન બનાવી તેમના કાન કાપી લૂંટ ચલાવતી અત્યંત ક્રૂર ગેંગને ઝડપી પાડવામાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. પોલીસે આ મામલે બે રીઢા આરોપીઓની ધરપકડ કરી કુલ 6 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોમાં ભયનો માહોલ હતો. રાત્રિના સમયે જ્યારે ખેડૂતો અને મહિલાઓ પોતાના પાકની રખેવાળી કરવા ખેતરમાં સૂતા હોય, ત્યારે અજાણ્યા શખ્સો આવી તેમને માર મારી, કાન કાપી નાખી સોનાની વાળીઓ અને બુટ્ટીઓની લૂંટ ચલાવતા હતા. આ ઘટનાઓની ગંભીરતા જોઈ પોલીસ મહાનિરીક્ષક રાઘવેન્દ્ર વત્સ અને પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા લૂંટારુઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી.
પોલીસનું ઓપરેશન અને ધરપકડ
LCB ના પી.આઈ. આર.એન. કરમટીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પી.એસ.આઈ. વી.એ. સરકટ અને તેમની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીને આધારે પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા.
પકડાયેલ આરોપીઓના નામ:
સંજય દશરથભાઇ ઝીલીયા (રહે. કોદારીયા, સાણંદ)
દશરથ ઉર્ફે દશો માવજીભાઇ દેવીપૂજક (રહે. જુડા ગામ, સાણંદ)
જ્યારે અન્ય એક આરોપી પ્રકાશ રતીલાલ દેવીપૂજક (રહે. મટોડા) ને હાલ વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
₹6.99 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલું સોનું અને ચાંદી કબજે કર્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:
સોનું: 57 ગ્રામ 418 મિલીગ્રામ (કિંમત ₹6,69,771/-)
ચાંદી: 9 ગ્રામ 409 મિલીગ્રામ
કુલ મુદ્દામાલ: ₹6,99,771/-
આરોપીઓએ પૂછપરછ દરમિયાન સાણંદ ટાઉન, સાણંદ GIDC, કેરાળા GIDC અને ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલી લૂંટની કબૂલાત કરી છે. હાલ આ તમામ આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાણંદ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે.