અમરાઈવાડીની હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ માતાએ બચાવવાને બદલે ઢાંકણું બંધ કરી દીધું; ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક માતાએ પોતાની અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ તેને બચાવવાને બદલે પોતાનો ગુનો છુપાવવા ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું હતું. આ મામલે અમરાઈવાડી પોલીસે આરોપી માતા મોનીકા મકવાણા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

​શું હતી સમગ્ર ઘટના?

​મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના અભિયાણા ગામના વતની અને હાલ અમરાઈવાડીના સિદ્ધેશ્વરી નગર પાસે રહેતા દિપક મકવાણા લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી ૭ વર્ષની અને નાની દીકરી માત્ર અઢી મહિનાની હતી.

​બનાવના દિવસે દિપક ગેસ સિલિન્ડર બુક કરાવવા લાઈનમાં ઊભા હતા ત્યારે પડોશી હંસાબેનનો ફોન આવ્યો કે “ફટાફટ ઘરે આવી જાઓ”. દિપક ઘરે પહોંચ્યા ત્યારે લોકોનું ટોળું જમા હતું અને જાણવા મળ્યું કે તેમની નાની દીકરી પાણીમાં પડી ગઈ છે. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

​માતાએ રચેલું તરકટ અને પોલીસ તપાસ

​શરૂઆતમાં પત્ની મોનીકાએ રડતા-રડતા કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ છે. તેણે જણાવ્યું કે ઉપરના માળે પાણી ચઢાવવા મોટરની સ્વીચ પાડવા તે નીચે ગઈ ત્યારે દીકરી તેની સાથે હતી. પગ લપસતા દીકરી તેના હાથમાંથી છટકીને સીધી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી.

​જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. દીકરી ટાંકીમાં પડ્યા બાદ મોનીકા ગભરાઈ ગઈ હતી. પોતાના પર આરોપ ન આવે તેવા ડરથી તેણે બાળકીને બહાર કાઢવાને બદલે ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું અને તેની ઉપર તગારું મૂકી દીધું જેથી કોઈને શંકા ન જાય.

​પોલીસ કાર્યવાહી

​પિતા દિપક મકવાણાએ પોતાની પત્ની વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને મોનીકા મકવાણાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. એક માતાએ જ પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવાને બદલે મોતને વ્હાલું કરવા મજબૂર કરી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Related Posts