અમદાવાદ:
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના પગલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક સફળ કામગીરી કરી છે.
બાતમીના આધારે કાર્યવાહી
સોલા હાઈકોર્ટ પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન કોન્સ્ટેબલ માધવકુમાર અને રમેશકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચાંદલોડિયા રેલવે ગરનાળા પાસેથી વિકાસસિંહ બજરંગસિંહ રાજપૂત (ઉં.વ. ૨૮) નામના ઈસમને અટકાવવામાં આવ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા.
મુદ્દામાલ અને ગુનાહિત ઇતિહાસ
પોલીસે આરોપી પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
૧ દેશી બનાવટની પિસ્તોલ (કિંમત ₹૨૫,૦૦૦)
૧ જીવતો કાર્તૂસ (કિંમત ₹૨૦૦)
૧ મોટરસાયકલ (કિંમત ₹૫૦,૦૦૦)
કુલ મુદ્દામાલ: ₹૭૫,૨૦૦
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વિકાસસિંહ અગાઉ રાણીપ પોલીસ સ્ટેશનમાં પણ આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં સંડોવાયેલો છે.
હથિયાર રાખવાનું કારણ
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેના વતનમાં (મધ્યપ્રદેશ) જમીન બાબતે ચાલી રહેલા વિવાદમાં સામાવાળા પક્ષ સાથે ઝઘડો થવાનો ભય હોવાથી, તેણે સ્વરક્ષણ માટે આ હથિયાર વતનથી ખરીદ્યું હતું. હાલમાં સોલા પોલીસે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.