અમદાવાદ: સિંગલ હોન્ડા શો-રૂમના ગોડાઉનમાંથી ૨૬ એક્ટિવા ચોરનાર બે કર્મચારીઓ સહિત ત્રણ ઝડપાયા; ₹૨૫.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા સિંગલ હોન્ડા શો-રૂમના ગોડાઉનમાંથી નવા નક્કોર એક્ટિવા વાહનોની ચોરી કરનાર ટોળકીને એલ.સી.બી. (LCB) ઝોન-5ની ટીમે ઝડપી પાડી છે. પોલીસે કુલ ૨૬ એક્ટિવા અને મોબાઈલ ફોન મળી કુલ ₹૨૫,૪૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ચોરીનો વણશોધાયેલ ગુનો ઉકેલી નાખ્યો છે.

​શું હતી ઘટના?

​નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સિંગલ હોન્ડા શો-રૂમના મેનેજર ધર્મપાલ વિજયસિંહ ચૌહાણે ફરિયાદ નોંધાવી હતી કે, ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૧ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન તેમના ગોડાઉનમાંથી કુલ ૩૧ વાહનોની ચોરી થઈ હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

​પોલીસ તપાસ અને ધરપકડ

​અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એલ.સી.બી. ઝોન-5 ના પી.એસ.આઈ. કે.કે. જાડેજા અને તેમની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ ચલાવી રહી હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ, કાનાભાઇ અને પોલીસ કોન્સ્ટેબલ ગીરીરાજસિંહને મળેલી બાતમીના આધારે બે શખ્સો અને એક સગીરની અટકાયત કરવામાં આવી હતી.

​પકડાયેલા આરોપીઓ:

​શાહીદ ઉર્ફે બડા કાલૂ (૧૯ વર્ષ): રહે. નરોડા પાટીયા, અમદાવાદ.

​દિગ્વિજય ઉર્ફે દિગ્ગુ (૨૨ વર્ષ): રહે. વિરાટનગર, અમદાવાદ (મૂળ રહે. ધંધુકા).

​કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર.

​મોડસ ઓપરેન્ડી: શો-રૂમના જ કર્મચારીઓ નીકળ્યા ચોર

​પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી શાહીદ અને સગીર કિશોર આ જ સિંગલ હોન્ડા શો-રૂમના ગોડાઉનમાં નોકરી કરતા હતા. તેઓ ગોડાઉનમાંથી મોકો જોઈને નવા એક્ટિવા ચોરતા હતા અને ત્યારબાદ આ વાહનો આરોપી દિગ્વિજય ઉર્ફે દિગ્ગુને માત્ર ₹૧૫,૦૦૦ થી ₹૨૦,૦૦૦માં વેચી દેતા હતા.

​મુદ્દામાલની વિગત

​પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ રિકવર કર્યો છે:

​૨૬ નંગ એક્ટિવા (ચાવીઓ સાથે): કિંમત ₹૨૪,૭૦,૦૦૦/-

​૨ નંગ આઈફોન (iPhone): કિંમત ₹૭૦,૦૦૦/-

​૧ નંગ વીવો મોબાઈલ: કિંમત ₹૫,૦૦૦/-

​કુલ કિંમત: ₹૨૫,૪૫,૦૦૦/-

​એલ.સી.બી. ઝોન-5ની ટીમે ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે આરોપીઓની ધરપકડ કરી નિકોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પી.એસ.આઈ. કે.કે. જાડેજા સહિત એલ.સી.બી.ના અન્ય સ્ટાફ મિત્રો જોડાયા હતા.

Related Posts