​ખાખી પર કાર્યવાહી: DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાનો એક્શન મોડ, ફરજમાં બેદરકારી દાખવનાર ૪ પોલીસકર્મી સસ્પેન્ડ.

લાખોના અનાજ કૌભાંડમાં પોલીસકર્મીઓ પર તવાઈ!

by Bansari Bhavsar

​જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ગરીબોના હકનું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાના કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે રેન્જ DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાએ લાલ આંખ કરી છે. આ પ્રકરણમાં ફરજમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના એક PSI અને ૩ પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

​શું છે સમગ્ર મામલો?

થોડા દિવસો પહેલા જૂનાગઢ રેન્જ DIG ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે માખીયાળા ગામ પાસે આવેલા એક ગોડાઉન પર દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંથી રૂપિયા ૧૮.૮૫ લાખની કિંમતનો ગેરકાયદેસર રીતે સંગ્રહિત સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૨૩ હજાર કિલો ઘઉં અને ૧૭ હજાર કિલો ચોખાનો સમાવેશ થાય છે. આ જથ્થાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો એક ટ્રક પણ પોલીસે જપ્ત કર્યો હતો.

​પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં

આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, રેન્જ DIG ની ટીમની રેડ પહેલા સ્થાનિક LCB ની ટીમે પણ આ ગોડાઉન અંગે તપાસ કરી હતી, પરંતુ તે સમયે કોઈ પણ ગેરરીતિ મળી ન હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રેન્જ DIG ની ટીમે સફળ દરોડો પાડ્યા બાદ આ અંગે ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં LCB ના PSI પી. કે. ગઢવી અને અન્ય ત્રણ પોલીસકર્મીઓની તપાસમાં બેદરકારી સામે આવી હતી.

​પોલીસ વિભાગમાં ખળભળાટ

સરકારી અનાજ માફિયાઓ સાથે પોલીસની સાંઠગાંઠ કે બેદરકારી હોવાની આ ઘટનાથી જૂનાગઢ પોલીસ વિભાગમાં ભારે ચર્ચાઓ જાગી છે. DIG રાજેન્દ્રસિંહ ચુડાસમાના આ આકરા વલણને પગલે પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તત્વો અને અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે

Related Posts