નરોડામાં ડ્રગ્સનું મોટું કૌભાંડ ઝડપાયું: ૧૪ કરોડની કિંમતનું ૭ કિલોથી વધુ મેથામ્ફેટામાઈન જપ્ત, મુંબઈનો તસ્કર પોલીસના પાંજરે

by Bansari Bhavsar

અમદાવાદ:

ગુજરાતમાં નશાના કારોબારને ડામવા માટે અમદાવાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત નરોડા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નરોડા વિસ્તારમાંથી આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડીને કરોડોનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.

​શું છે સમગ્ર મામલો?

પોલીસ કમિશનરની સૂચના મુજબ, નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એસ.એ. કોટડીયા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નાના ચીલોડા સર્કલ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં વાદળી કલરના થેલા સાથે પસાર થવાનો છે. આ માહિતીના પગલે સર્વેલન્સ ટીમે તાત્કાલિક વોચ ગોઠવી હતી.

​આરોપી અને મુદ્દામાલની વિગત:

પોલીસે ગેટકો પાવર સ્ટેશન પાસે ગરનાળા પાસેથી શંકાસ્પદ યુવકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે ૭૦૮૪ ગ્રામ (૭ કિલો ૮૪ ગ્રામ) જેટલું ગેરકાયદેસર ‘મેથામ્ફેટામાઈન’ (Methamphetamine) ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની બજાર કિંમત ૧૪.૧૬ કરોડ રૂપિયાથી વધુ હોવાનું બહાર આવ્યું છે.

​ઝડપાયેલ આરોપી: મહોમદ સાજીદ મહોમદ ઉસ્માન શેખ (ઉં.વ. ૪૮, રહે. અંધેરી/જોગેશ્વરી, મુંબઈ).

​કબ્જે કરાયેલ મુદ્દામાલ: મેથામ્ફેટામાઈન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાન મળી કુલ ૧૪,૧૬,૯૪,૮૨૦/- રૂપિયાનો મુદ્દામાલ.

​પોલીસની કાર્યવાહી:

નરોડા પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી પાછળ કોઈ મોટું રેકેટ સક્રિય હોવાની શક્યતાને નકારી શકાય નહીં.

​આ સફળ ઓપરેશનમાં નરોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ અને પી.એસ.આઈ. વી.આર. ચૌધરી સહિતની સમગ્ર ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટનાને પગલે અમદાવાદના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Related Posts