વિરમગામ રૂરલ પોલીસે પ્રોહિબિશન વિરુદ્ધના અભિયાનમાં મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે હંસલપુર ચોકડી નજીકથી પસાર થતા એક ટાટા ટ્રેલરને અટકાવી તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન, ટ્રેલરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૮૦ મીલીની ૩૮,૨૫૬ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૪૭.૮૨ લાખ રૂપિયા છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ટ્રેલર, બે મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ ૫૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી મુસ્તાક સ/ઓ મદીરહીમ જમાલ પઠાણની ધરપકડ કરી છે. વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ.ઝાલા અને તેમની ટીમની સતર્કતાને કારણે દારૂની આ મોટી હેરાફેરી નિષ્ફળ ગઈ છે. હાલ પોલીસ દ્વારા પકડાયેલ આરોપીની પૂછપરછ અને અન્ય વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.