અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં સંડોવાયેલા અને ગુનો આચર્યા બાદ નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં અમરાઈવાડી પોલીસને સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મર્ડરના ગુના (BNS કલમ ૧૦૩(૧), ૧૦૯, ૧૧૮(૧), ૧૧૫(૨), ૫૪) હેઠળ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને ઝડપી પાડવા માટે ઈ.ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. એચ.આર. ભેટારીયા અને તેમની ટીમ દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓ જયેશભાઈ મોતીભાઈ, હર્ષદકુમાર જેઠાભાઈ અને કલ્પેશકુમાર લક્ષ્મણભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના ફારૂકાબાદ જિલ્લાના વતની અને હાલ અમરાઈવાડી સ્થિત બળીયાનગર પાસે ભાડાના મકાનમાં રહેતા ૨૧ વર્ષીય આરોપી રજત ઉર્ફે અજ્જુ રવિશભાઈ જામલાલ જાટવને શોધી કાઢીને પકડી પાડવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.