નરોડામાંથી ₹૬.૨૫ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું: બેંગલોરના યુવકની ધરપકડ, નાઇજીરિયન ગેંગનું કનેક્શન ખુલ્યું

ચંડિગઢ અને બેંગલોરનું ડ્રગ્સ નેટવર્ક બરબાદ! નરોડામાંથી ₹૬.૨૫ કરોડની આંતરરાષ્ટ્રીય કિંમતનું MD ડ્રગ્સ જપ્ત

by Bansari Bhavsar

​અમદાવાદ:

અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશનની ટીમે ગુનાખોરી અને નશીલા પદાર્થોની હેરાફેરી સામે મોટી કામગીરી કરતા કરોડો રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹૬.૨૫ કરોડની કિંમત ધરાવતો ૧,૮૫૦ ગ્રામ (૧.૮૫ કિલો) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો છે.

​વોચ ગોઠવી નાના ચિલોડા પાસેથી પકડાયો આરોપી

નરોડા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ.કાતરીયા અને સેકન્ડ પીઆઈ એસ.એ.કોટડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ કાળા રંગની થેલીમાં નશાકારક પદાર્થ લઇને નાના ચિલોડા વર્તુળ તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે NDPS સ્ક્વોડના પીએસઆઈ કે.એસ.કુંપાવત અને તેમની ટીમે ચામુંડા ટાયર દુકાન સામે જાહેર રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ઇસમ આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

​બેંગલોરના યુવકની ધરપકડ

પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ નીખીલેશ રમેશ ક્રિષ્નપ્પા (ઉંમર ૨૪ વર્ષ, રહે. બેંગલોર, કર્ણાટક) હોવાનું ખુલ્યું છે. પોલીસે તેની પાસે રહેલી બેગની અંગઝડતી લેતા તેમાંથી રૂ. ૫૫.૫૦ લાખની સ્થાનિક કિંમત અને ₹૬.૨૫ કરોડની આંતરરાષ્ટ્રીય કિંમતનો ૧,૮૫૦ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે એક એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે.

​નાઇજીરિયન ગેંગનું કનેક્શન આવ્યું સામે

આરોપીની કડક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ડ્રગ્સનો જથ્થો ચંડિગઢ ખાતે રહેતા બે નાઇજીરિયન વ્યક્તિઓએ આપ્યો હતો અને તે ‘ફેન્ક’ નામના અન્ય એક નાઇજીરિયન વ્યક્તિને પહોંચાડવાનો હતો.

​નરોડા પોલીસે આ મામલે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts