અમદાવાદ: સતીષભાઈ શાહે શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ₹૪૬.૦૫ લાખ પડાવ્યા; ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે નાગરિકો સાથે છેતરપિંડી કરતી ઘટનાઓ અટકાવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં શેરબજારમાં ઊંચો નફો અપાવવાની લાલચ આપીને રૂપિયા ૪૬,૦૫,૦૦૦ ની મસમોટી રકમ પડાવી લેવા અંગેનો ગુનો નોંધાયો છે.

​શું છે સમગ્ર મામલો?

​ફરિયાદી હસમુખભાઈ છગનભાઈ પરમાર (ઉં.વ. ૬૩, રહે. કોટેશ્વર ગામ, ગાંધીનગર, મૂળ સેવાનિવૃત સિનિયર મેનેજર – બેંક ઓફ બરોડા) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ચાંદખેડા વિસ્તારના સુયોગ કોમ્પ્લેક્સ, ન્યુ સી.જી. રોડ ખાતે આવેલી ઓફિસમાં બેસતા સતીષભાઈ રસિકભાઈ શાહ (રહે. વાસુકા નંદ ફ્લેટ, નિર્ણયનગર ગરનાળા પાસે, ઘાટલોડિયા, અમદાવાદ) સાથે તેમનો પરિચય થયો હતો.

​આરોપી સતીષભાઈ શાહ શેરબજારનું કામ કરતા હોઈ, તેમણે ફરિયાદીને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. આરોપીની बातोंમાં આવીને ફરિયાદી અને તેમના પત્નીએ અલગ-અલગ તારીખે બેંક ટ્રાન્સફર, ચેક તેમજ RTGS/NEFT દ્વારા કુલ ₹૪૬,૦૫,૦૦૦ જેટલી માતબર રકમ શેરબજારમાં રોકાણ અર્થે આપી હતી.

​નફાને બદલે મળી માત્ર છેતરપિંડી

​રોકાણ કર્યા બાદ આરોપીએ શરૂઆતમાં થોડી રકમ પરત આપી હતી અને કેટલાક ચેકો આપ્યા હતા. પરંતુ, સમય જતાં આરોપીએ બાકી નીકળતી રકમ તેમજ નફાના નાણાં ફરિયાદીને પરત આપ્યા ન હતા અને તે રકમ પોતાના અંગત ફાયદા માટે વાપરી નાખી હતી. ઉપરાંત, આરોપીએ આપેલા કેટલાક ચેક બેંકમાં અપૂરતા બેલેન્સને કારણે રિટર્ન પણ થયા હતા.

​પોલીસ કાર્યવાહી

​આરોપી સતીષભાઈ રસિકભાઈ શાહ દ્વારા મૌખિક કરારનો ભંગ કરી, વિશ્વાસઘાત આચરીને ફરિયાદીની મિલકતનો બાનદતથી દુરુપયોગ કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાથી, ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં B.N.S.S. ની કલમ ૩૧૬(૨) અને ૩૧૮(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Posts