ચાંદખેડાના ચેરીસ કાફેમાં SMCના દરોડા: હર્બલના નામે ચાલતો નિકોટીનયુક્ત હુક્કાબાર ઝડપાયો, 5 શખ્સો ઝડપાયા

by Bansari Bhavsar

​અમદાવાદ:

ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી લાલ આંખના ભાગરૂપે ચાંદખેડા વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ચાંદખેડાના ઝુંડાલ ગરનાળા પાસે આવેલા ‘ચેરીસ કાફે’માં દરોડો પાડીને હર્બલ ફ્લેવરની આડમાં ધમધમતો નિકોટીનયુક્ત હુક્કાબાર ઝડપી પાડવામાં આવ્યો છે.

​હર્બલના નામે નિકોટીનયુક્ત તમાકુનું સેવન

​સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે ઝુંડાલ ગરનાળા પાસે માધવ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ચેરીસ કાફેમાં ગ્રાહકોને પ્રતિબંધિત નિકોટીનયુક્ત તમાકુવાળા હુક્કા પીરસવામાં આવી રહ્યા છે. આ બાતમીના આધારે SMCની ટીમે કાફે પર અચાનક રેડ કરી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે કાફે સંચાલકો હર્બલ ફ્લેવરના નામે યુવાનોને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા નિકોટીનયુક્ત હુક્કા પીરસી રહ્યા હતા.

​કુલ રૂ. 62,100 નો મુદ્દામાલ જપ્ત

​દરોડાની આ કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા કાફેમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે:

​૧૦ નંગ હુક્કા

​૪૩ નંગ પાઇપ

​૨૮ નંગ હુક્કાના પોટ/બોટલ

​૯૦ નંગ ચીલમ

​પોલીસે ઉપરોક્ત તમામ સાધનસામગ્રી અને અન્ય સામગ્રી મળીને કુલ રૂ. 62,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​5 વ્યક્તિઓની હાજરી અને કાયદેસરની કાર્યવાહી

​રેડ વખતે કાફે સંચાલક સહિત કુલ 5 વ્યક્તિઓ ઘટનાસ્થળે હાજર મળી આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ‘જાણવા જોગ’ (JRE) નોંધ કરાવીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.

​SMCની આ તબક્કાવાર અને આક્રમક કાર્યવાહીથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂપાઈને ચાલતા હુક્કાબાર સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Related Posts