કુરિયર પાર્સલના ઓથા હેઠળ ચાલતા દારૂના કારોબાર પર ઓઢવ પોલીસનો વજ્રઘાત: ૨૪ કલાકમાં ૩ ઓપરેશન, ૪ની ધરપકડ

કુરિયર પાર્સલ દ્વારા વિદેશી દારૂ મંગાવતા નેટવર્કનો પર્દાફાશ

by Bansari Bhavsar

અમદાવાદ: શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે અપનાવેલી નવી મોડસ ઓપરેન્ડીનો ઓઢવ પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રથી કુરિયર પાર્સલમાં છુપાવીને મંગાવવામાં આવતા વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ૨૪ કલાકમાં ત્રણ અલગ-અલગ દરોડા પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે.

​ઓપરેશન-૧: ઓમ આર્કેડ કોમ્પ્લેક્સમાં દરોડો

​સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. ડી.આઈ. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે ઓઢવ રિંગ રોડ પર આવેલા ઓમ આર્કેડના પાર્કિંગમાં દારૂનો જથ્થો છે. પોલીસે પંચોની હાજરીમાં રેડ કરીને અજય ઉર્ફે અજ્જુ ભીલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બીયરના ૨૧૬ ટીન મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે અજય અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો છે.

​ઓપરેશન-૨: વિરાટનગર રોડ પર કાર્યવાહી

​બીજી બાતમીના આધારે પોલીસે વિરાટનગર રોડ પર સથવારા સમાજની વાડી સામે વોચ ગોઠવી હતી. અહીંથી અનિલ રાજકુમાર જૈન નામના ૫૩ વર્ષીય શખ્સને ૮૪ નંગ દારૂ-બીયરની બોટલો સાથે દબોચી લેવાયો હતો. અનિલ અગાઉ નિકોલ અને ઓઢવ પોલીસ મથકે નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ અથવા સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

​ઓપરેશન-૩: વલ્લભનગર ત્રણ રસ્તા પાસે મોટી રિકવરી

​ત્રીજા કિસ્સામાં, પોલીસે વલ્લભનગર ત્રણ રસ્તા પાસે લોડિંગ ટેમ્પો સાથે બે શખ્સો, નિતેશ વણઝારા અને જિગ્નેશ વણઝારાને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો પાસેથી ૪૮૦ નંગ ક્વાર્ટરિયા અને એક લોડિંગ ટેમ્પો મળી કુલ ૩.૦૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જિગ્નેશ વણઝારા સામે અગાઉ પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.

​કુલ જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત

​પોલીસે આ ત્રણેય ઓપરેશન દરમિયાન કુલ ₹૪,૬૫,૫૪૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં નીચે મુજબની વિગતો છે:

​દારૂ/બીયરની બોટલો: ૭૮૦ નંગ (કિંમત ₹૨,૮૬,૫૦૦)

​લોડિંગ ટેમ્પો: ૧ (કિંમત ₹૧,૫૦,૦૦૦)

​મોબાઈલ ફોન: ૫ નંગ (કિંમત ₹૨૮,૫૦૦)

​તપાસનો ગજિયો

​પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ઝીંઝુવાડિયાના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી આ કુરિયર કોણે મોકલ્યા હતા અને અમદાવાદમાં આ જથ્થો અન્ય કોને સપ્લાય કરવાનો હતો. પોલીસની આ આક્રમક કામગીરીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

​કામગીરી કરનાર ટીમ:

પી.એસ.આઈ. ડી.આઈ. પટેલ, એ.એસ.આઈ. રણજીતસિંહ, હેડ કોન્સ્ટેબલ વિવેકકુમાર, વનરાજસિંહ, હિતેશભાઈ અને અન્ય સ્ટાફ મિત્રો.

Related Posts