ગાંધીનગર કોર્ટનો લપડાક: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને ૨.૫૦ લાખનો દંડ

પૈસા લઈને ચેક બાઉન્સ કરાવવો ભારે પડ્યો

by Bansari Bhavsar

ગાંધીનગર:

તાજેતરમાં ગાંધીનગરની કોર્ટે ચેક રિટર્ન સંબંધિત એક મહત્વના કેસમાં ચુકાદો આપતા આરોપીને જેલની સજા ફટકારી છે. એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રીમતી કે.બી. ધોકિયાની કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને ૧ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

​શું હતો સમગ્ર મામલો?

​ફરિયાદી અશોકભાઈ આતાજી બારૈયા અને આરોપી પાર્થિવ ઉર્ફે ગોપાલ દવે વચ્ચે કૌટુંબિક સંબંધો હતા. અશોકભાઈની જમીનના કાનૂની વિવાદમાં વકીલ રોકવા માટે તેમણે પાર્થિવભાઈને રૂ. ૫,૦૦,૦૦૦ આપ્યા હતા. પરંતુ, કામ ન થતાં અશોકભાઈએ પૈસા પાછા માંગ્યા હતા. આ રકમમાંથી રૂ. ૨,૫૦,૦૦૦ની પરત ચુકવણી માટે આરોપીએ એક ચેક આપ્યો હતો.

​જ્યારે આ ચેક બેંકમાં જમા કરવામાં આવ્યો ત્યારે ખાતામાં પૂરતા નાણાં ન હોવાને કારણે (Funds Insufficient) તે રિટર્ન થયો હતો. ત્યારબાદ કાયદેસરની નોટિસ આપવા છતાં પૈસા ન મળતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

​કોર્ટનો ચુકાદો

​કોર્ટે તમામ પુરાવાઓ અને ફરિયાદીની દલીલોને ધ્યાને રાખીને જણાવ્યું હતું કે, આરોપીએ પોતાની કાયદેસરની જવાબદારી નિભાવવામાં ભૂલ કરી છે. કોર્ટે નીચે મુજબનો આદેશ કર્યો છે:

​સજા: આરોપીને ૧ (એક) વર્ષની સાદી કેદની સજા.

​દંડ: ચેકની રકમ મુજબ રૂ. ૨,૫૦,૦૦૦નો દંડ.

​વળતર: આ દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવાની રહેશે.

​વધારાની સજા: જો આરોપી વળતર ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેણે વધુ ૨ મહિનાની સજા ભોગવવી પડશે.

​કોર્ટે આ ચુકાદામાં નોંધ્યું હતું કે, સમાજમાં બેંકિંગ વ્યવહાર પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આવા કિસ્સામાં કડક સજા થવી જરૂરી છે.

તસવીર પ્રતિકાત્મક છે

Related Posts