ચેક રિટર્ન કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય: ફરિયાદીને રૂ. ૭૫,૦૦૦ ચૂકવવા હુકમ

by Bansari Bhavsar

અમદાવાદ:

​જામનગરના એક ચેક રિટર્ન કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપતા આરોપીને ૨૫% રકમ જમા કરાવવાની શરતે જામીન આપ્યા છે, જેમાંથી ફરિયાદીને રૂ. ૭૫,૦૦૦ વચગાળાના વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

​શું હતી સમગ્ર ઘટના?

​જામનગરમાં રહેતા દીપકભાઈ લક્ષ્મણભાઈ પિલ્લાઈ અને મનીષકુમાર જગદીશચંદ્ર વ્યાસ વચ્ચે વ્યાવહારિક સંબંધો હતા. મનીષકુમારને આર્થિક જરૂરિયાત ઉભી થતા દીપકભાઈએ તેમને રૂ. ૩,૦૦,૦૦૦ની રકમ હાથ ઉછીની આપી હતી, જે અંગે કાયદેસરનો કરાર પણ કરવામાં આવ્યો હતો. આ રકમ પરત કરવા માટે મનીષકુમારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક આપ્યો હતો, જે બેંકમાં રજૂ કરતા ‘રિટર્ન’ થયો હતો.

એડવોકેટ નિરવ ઝાલા

એડવોકેટ નિરવ ઝાલા

​નીચલી કોર્ટ અને સેશન્સ કોર્ટનો ચુકાદો

​ચેક રિટર્ન થતા દીપકભાઈએ જામનગર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે આરોપી મનીષકુમારને તકસીરવાર ઠરાવી:

​એક વર્ષની સજા.

​ત્રણ લાખ રૂપિયાનો દંડ અને તેટલી જ રકમ ફરિયાદીને વળતર તરીકે આપવાનો આદેશ કર્યો હતો.

​આ હુકમ વિરુદ્ધ મનીષકુમારે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને માન્ય રાખી અપીલ ફગાવી દીધી હતી અને આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.

​ગુજરાત હાઈકોર્ટની કાર્યવાહી

​ત્યારબાદ આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આરોપી મનીષકુમારને શરતી જામીન આપતા ચેકની કુલ રકમના ૨૫% રકમ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યો હતો. ફરિયાદી દીપકભાઈએ આ રકમ ઉપાડવા માટે કરેલી અરજીને ધ્યાને રાખીને, નામદાર કોર્ટે રૂ. ૭૫,૦૦૦ વચગાળાના વળતર તરીકે ફરિયાદીને ચૂકવી દેવાનો હુકમ કર્યો છે.

​આ કેસમાં મૂળ ફરિયાદી દીપકભાઈ પિલ્લાઈ વતી અમદાવાદના યુવા ધારાશાસ્ત્રી શ્રી નિરલ વી. ઝાલા તથા જિતેન્દ્ર ડી. પટેલ રોકાયેલા હતા.

Related Posts