અમદાવાદ: કહેવાય છે કે ‘જાગતા નર સદા સુખી’, આ કહેવત અમદાવાદના નરોડા વિસ્તારમાં સાચી સાબિત થઈ છે. પતિ સાથેના સામાન્ય ઝઘડા બાદ જીવન ટૂંકાવવા નીકળેલી એક 45 વર્ષીય મહિલાને તેના પુત્રની સતર્કતા અને નરોડા પોલીસની પ્રોમ્પ્ટ કામગીરીને કારણે નવજીવન મળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના હંસપુરા વિસ્તારમાં રહેતી એક 45 વર્ષીય મહિલા, જેઓ પોતાનો ગૃહઉદ્યોગ ચલાવે છે, તેમને ગત દિવસે જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે પતિ સાથે બોલાચાલી થઈ હતી. જોકે, આ નાની વાત મહિલાને મન પર લાગી આવતા તેઓ ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા હતા. આવેશમાં આવીને તેમણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા.
વોટ્સએપ સ્ટેટસથી મચી ગયો ફફડાટ
ઘરેથી નીકળ્યા બાદ મહિલાએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં હૃદયદ્રાવક સંદેશ મૂક્યો હતો. તેમણે અંગ્રેજી અને ગુજરાતીમાં લખ્યું હતું કે:
”SORRY EVERYONE ND GOOD BY AND BYE BETA MISS U, KHUSH REJE, MANE MAF KARJE.”
આ સ્ટેટસ જેવું તેમના પુત્રના જોવામાં આવ્યું, તે તાત્કાલિક ગભરાઈ ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજી તેણે જરા પણ વિલંબ કર્યા વગર પિતાને જાણ કરી અને તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસનું ‘ઓપરેશન રેસ્ક્યુ’
ઘટનાની વિગત મળતા જ પોલીસ હરકતમાં આવી હતી. પીઆઈ સી.વી. નાયકના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ મોદી, અશોકભાઈ અને સુમીતભાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ (મોબાઈલ લોકેશન)ના આધારે તપાસ શરૂ કરી હતી. દરેક મિનિટ કિંમતી હતી, કારણ કે મહિલા ગમે ત્યારે આત્મઘાતી પગલું ભરી શકે તેમ હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા પહેલા ખોડિયાર માતાના મંદિરે રોકાઈ હતી અને ત્યારબાદ નરોડા વિસ્તારમાં આવેલા અંબે માતાના મંદિરે જઈને બેઠી હતી. પોલીસ અને પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા.
પુત્રને જોતા જ મહિલા બેભાન થઈ ગઈ
જ્યારે મહિલાએ પોલીસ સાથે પોતાના પુત્રને જોયો, ત્યારે ભાવુક થઈને તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. પોલીસે વિલંબ કર્યા વગર તેમને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સમયસરની તબીબી સારવારને કારણે હાલ મહિલાની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
સમયસૂચકતા વાપરીને પોલીસને જાણ કરનાર પુત્ર અને ગણતરીની મિનિટોમાં મહિલાને શોધી કાઢનાર નરોડા પોલીસની હાલ ચારેકોર પ્રશંસા થઈ રહી છે.