અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સાપ્તાહિક સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસ, નાગરિક સુવિધાઓ તેમજ આરોગ્ય વિષયક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલે બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કાંકરિયા પરિસરમાં ગરબા આયોજન, દિવાળીના તહેવારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસણી અને ઐતિહાસિક ટાઉન હોલના નવીનીકરણ અંગેની વિગતો આપી હતી.
કાંકરિયા કિનારે ૧,૦૦૦ દિવ્યાંગો વ્હીલચેર પર ગરબે ઘૂમશે
કાંકરિયાના નવીનીકરણ બાદ સૌપ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ ઓક્ટોબર, શનિવારના રોજ સાંજે ૭:૩૦ વાગ્યાથી કાંકરિયા કિનારે નગરજનો માટે વિશેષ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની મુખ્ય વિશેષતા એ રહેશે કે તેમાં અમદાવાદ અને બહારથી આવેલા આશરે ૧,૦૦૦ જેટલા દિવ્યાંગો પરંપરાગત પોશાકમાં પોતાની વ્હીલચેર પર ગરબા રમીને નવરાત્રિના ઉત્સવનો આનંદ માણશે. આ ગરબામાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ સહભાગી થશે.
મીઠાઈ-ફરસાણના સ્ટોલ પર સ્થળ પર જ ‘રેપિડ ટેસ્ટિંગ’ કરાશે
દિવાળી અને તહેવારો દરમિયાન શહેરમાં ઊભા થતા મીઠાઈ તેમજ ફરસાણના કામચલાઉ સ્ટોલ પર વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. સામાન્ય રીતે સેમ્પલ ટેસ્ટિંગના પરિણામ આવતા ૬ થી ૭ દિવસ લાગે છે, જેના કારણે સ્ટોલ બંધ થઈ ગયા પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડતી હતી.
આ સમસ્યાના ઉકેલ માટે:
રેપિડ ટેસ્ટિંગ કિટ: સ્ટોલ પર જ ખાદ્યપદાર્થોમાં વપરાતા રંગ અને તેલની પ્રાથમિક ચકાસણી સ્થળ પર થઈ શકે તે માટે રેપિડ ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અત્યાધુનિક મશીનરી: ચકાસણીના પરિણામો ઝડપથી મળે તે માટે અત્યાધુનિક મશીનરી ખરીદવા અને હેલ્થ વિભાગમાં જરૂર મુજબ વધારાનો સ્ટાફ ફાળવવા સૂચના આપવામાં આવી છે.
ઐતિહાસિક ટાઉન હોલનું આગામી ૨ વર્ષમાં થશે નવીનીકરણ
અમદાવાદના સાંસ્કૃતિક વારસા સમાન ટાઉન હોલના નવીનીકરણ અંગે ચેરમેને જણાવ્યું હતું કે, આગામી દોઢ મહિનામાં નકશા અને પ્લાન તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરાશે. ત્યારબાદ બે મહિનામાં પ્રત્યક્ષ કામગીરી શરૂ કરીને આગામી બે વર્ષમાં નવીનીકરણનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. નવીનીકરણ દરમિયાન ટાઉન હોલના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોને અકબંધ રાખીને તેને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.