અમદાવાદ: એસ.જી. હાઇવે પર ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી કાર્યવાહી

by Bansari Bhavsar

​અમદાવાદ:

શહેરના એસ.જી. હાઇવે વિસ્તારમાંથી ઓનલાઇન વેબસાઇટ મારફતે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ઓનલાઇન આઇડી અને સટ્ટાબાજી માટે વપરાતો મોબાઇલ ફોન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

​શું છે સમગ્ર ઘટના?

​મળેલી માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ સોલા એસ.જી. હાઇવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મની પ્લાન્ટ સ્ટ્રીટ અને ચંદુભાઇ ગાડીયારા નજીક જાહેર રોડ પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોબાઇલ ફોન સાથે ઊભેલો મળી આવ્યો હતો. પોલીસે ખાનગી બાતમીદારો અને પંચોની મદદથી સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી.

​વેબસાઇટ પર સટ્ટો રમાડતો હતો

​પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે પોતાનું નામ ચેતનકુમાર પ્રવિણચંદ્ર પરમાર (ઉં.વ. ૪૦, રહે. કૃપાલ હોમ્સ પીજી, થલતેજ, અમદાવાદ; મૂળ રહે. બનાસકાંઠા) હોવાનું જણાવ્યુ હતું.

​તપાસ દરમિયાન તેના લાઇવ મોબાઇલ ફોનમાં [https://Allpanel247.com/admin](https://Allpanel247.com/admin) નામની વેબસાઇટ પર jalaram12 નામથી યુઝર આઇડી ખોલેલું જોવા મળ્યું હતું. તે દક્ષિણ આફ્રિકા ૨૦ ચેલેન્જ ઇસ્ટમાં રમાઇ રહેલી Eastern Strom (ES) vs Tuskers (TUS) ટી/૨૦ કન્ટ્રી ક્રિકેટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ જોઇને ગ્રાહકો સાથે ક્રિકેટ મેચ પર ઓનલાઇન હાર-જીતનો સટ્ટો રમાડી રહ્યો હતો.

​મુદ્દામાલ અને ગુનો દાખલ

​પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો એક કાળો ઓપ્પો (OPPO) કંપનીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે.

​આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર અટકાયતી અધિનિયમ (જુગાર ધારા) ની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. ધાર્મિકકુમાર દિનેશભાઇ પટેલને સોંપવામાં આવી છે.

Related Posts