અમદાવાદ:
અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તથા પોલીસ મહાનિરીક્ષક રાઘવેંન્દ્ર વત્સની સૂચનાથી જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નાકેબંધી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અમદાવાદ ગ્રામ્યની ટીમે બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
એલ.સી.બી. ઇન્સપેક્ટર આર.એન.કરમટીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. જી.જે.મોરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મીરને મળેલ ચોક્કસ બાતમીના આધારે, બાવળાના મોજે-રૂપાલ ખાતે હાજીપીરની દરગાહ જવાના રસ્તા પર આવેલા ઇરફાનભાઈ ઉર્ફે પોંજો પુંજાભાઈ વોરાના ઘરના વરંડામાં દરોડો પાડવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ત્યાં પાર્ક કરેલી ગ્રે કલરની હ્યુન્ડાઈ આઈ-૨૦ ગાડી (રજી. નંબર: GJ 38 B 8423)માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરના ૬૭૨ નંગ ટીન મળી આવ્યા હતા.
મુદ્દામાલની વિગત:
બિયર ટીન (૬૭૨ નંગ): રૂ. ૮૪,૦૦૦/-
હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર: રૂ. ૩,૦૦,૦૦૦/-
મોબાઈલ ફોન (૧ નંગ): રૂ. ૨૦,૦૦૦/-
કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૪,૦૪,૦૦૦/-
ઝડપાયેલ આરોપી:
પોલીસે સ્થળ પરથી દીલાવરભાઈ અબ્દુલભાઈ વોરા (રહે. રૂપાલ ગામ, દાતારની દરગાહ પાસે, તા. બાવળા) નામના શખ્સને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.