અમદાવાદ: નારોલ-નરોડા હાઇવે પરથી યુવકનું અપહરણ કરી ₹34 લાખની લૂંટ, ઓઢવ પોલીસે તપાસ હાથ ધરી

by Bansari Bhavsar

અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં એક વ્યક્તિનું કારમાં અપહરણ કરી ₹34 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી છે. આ અંગે ઓઢવ પોલીસ મથકે ગુનો નોંધી હાઇવેના સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

​બેંકમાંથી નાણાં ઉપાડી પરત ફરતા બની ઘટના

​મળતી માહિતી મુજબ, કેતન પરીખ નામના વ્યક્તિ પોતાની પેઢી માટે બેંકમાંથી ₹34 લાખની રોકડ રકમ ઉપાડીને મોડી સાંજે પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ પર કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને મોપેડ રોકાવ્યું હતું.

​ત્યારબાદ બંને શખ્સોએ કેતન પરીખને નાણાં ભરેલી બેગ સાથે બળજબરીપૂર્વક પોતાની કારમાં બેસાડી દીધા હતા અને ગાંધીનગરના ધોળાકુવા તરફ લઈ ગયા હતા.

​₹34 લાખની બેગ આંચકી રસ્તા પર ઉતારી દીધા

​ગાંધીનગર નજીક પહોંચીને અપહરણકારોએ કેતન પરીખ પાસેથી ₹34 લાખ ભરેલી બેગ આંચકી લીધી હતી અને તેમને ત્યાં જ રસ્તા પર ઉતારીને ગાડી સાથે ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારે તાત્કાલિક પોતાની પેઢી અને પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી.

​સીસીટીવી અને વાહનના નંબરના આધારે શોધખોળ

​ઓઢવ પોલીસે લૂંટ અને અપહરણનો ગુનો નોંધી નારોલ-નરોડા હાઇવે તથા ગાંધીનગર રોડ પરના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) અને વાહનના નંબરના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related Posts