અમદાવાદ શહેરમાં મિલકત સબંધી અણઉકેલાયેલા ગુનાઓ અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૩ની ટીમને મોટી સફળતા મળી છે. કાલૂપુર વિસ્તારમાં વાહન અકસ્માત સર્જીને રોકડ રકમની લૂંટ ચલાવનાર બે સાતિર આરોપીઓને પોલીસે લૂંટના રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
અકસ્માત નાટક રચી ચલાવી હતી લૂંટ
પોલીસના જણાવ્યા અનુસાર, ગત તારીખ ૦૯/૦૮/૨૦૨૬ ના રોજ સવારના આશરે સવા છ વાગ્યાના સુમારે કાલૂપુર ઘી કાંટા ચાર રસ્તા બુટગલી પાસે આ ઘટના બની હતી. ફરિયાદી પોતાના ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીઓએ પોતાની એક્સેસ મોપેડથી ફરિયાદીના વાહનને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ફરિયાદી સાથે બળજબરી કરી, તેમની પાસે રહેલી પૈસા ભરેલી થેલી આંચકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે કાલૂપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૧૧૯(૨) અને ૫૪ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ચોક્કસ બાતમીના આધારે ધડપકડ
ડીસીપી ઝોન-૩ રૂપલ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB સ્ક્વોડના પી.એસ.આઈ. વી.એચ. રાઠોડ અને તેમની ટીમ કાલૂપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એ.એચ.કો. સંદીપભાઈ, સુખવિંદર સિંહ અને પો.કો. કૌશિકભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડીને નીચે મુજબના બે આરોપીઓની ધડપકડ કરી હતી:
૧. મોહમ્મદ શાહરૂખ ઉર્ફે કેલા મોહમ્મદ હુશેન અંસારી (ઉં.વ. ૩૨, રહે. રખિયાલ, અમદાવાદ)
૨. જાફર ઉસ્માનભાઈ શેખ (ઉં.વ. ૨૦, રહે. રખિયાલ, અમદાવાદ)
₹૩.૦૫ લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલી અને ગુનામાં વપરાયેલી કુલ ₹૩,૦૫,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જેમાં:
રોકડ રકમ: ₹૨,૩૯,૦૦૦/-
મોબાઈલ ફોન (૨ નંગ): ₹૧૬,૦૦૦/-
એક્સેસ મોપેડ (GJ-27-FM-8975): ₹૫૦,૦૦૦/-
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ મુખ્ય આરોપી મોહમ્મદ શાહરૂખ ઉર્ફે કેલા અંસારી અગાઉ મણિનગર, ખોખરા અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘બનાવટી પોલીસ’ બનીને ઠગાઈ કરવાના તથા ઓઢવ, અમરાઈવાડી, ટ્રાફિક અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં મળીને અનેક ગુનાઓમાં પકડાઈ ચૂકેલો રીઢો ગુનેગાર છે. જ્યારે બીજો આરોપી જાફર શેખ પણ પ્રોહિબિશન અને ટ્રાફિકના ગુનાઓમાં સંડોવાયેલો છે.
ઝોન-૩ LCB ટીમે બંને આરોપીઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જેલભેગા કર્યા છે.