અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી પહેલ: શહેરમાં ૪ નવી યુનિટ શરૂ કરવાનો નિર્ણય, યુનિટ-૧ અને યુનિટ-૨ કાર્યરત

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં સતત વધતી વસ્તી, ઔદ્યોગિક વિસ્તારો અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની દુરંદેશી પહેલ હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ પ્રેઝન્સને વધુ મજબૂત કરવા માટે ૪ નવી યુનિટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

​આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત તા. ૨૫/૦૯/૨૦૨૬ ના રોજ યુનિટ-૧ અને યુનિટ-૨ નું વિધિવત ઉદ્ઘાટન કરીને તેમને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. જ્યારે યુનિટ-૩ અને યુનિટ-૪ પણ નજીકના ભવિષ્યમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

​નવી યુનિટોનું માળખું અને વિસ્તારો:

​યુનિટ-૧ (વટવા ગામ ચોકી): PI શ્રી જેબલિયા અને ટીમ હેઠળ વટવા, ઇસનપુર, નારોલ, GIDC વટવા, રામોલ અને ખોખરા વિસ્તારો આવરી લેવાશે.

​યુનિટ-૨ (સિંગરવા ચોકી, ઓઢવ): PI શ્રી ધાખડા અને ટીમ હેઠળ ઓઢવ, નિકોલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, બાપુનગર, રખિયાલ, અમરાઇવાડી અને ગોમતીપુર વિસ્તારોની જવાબદારી રહેશે.

​યુનિટ-૩ (ચાંદખેડા): ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ, નારણપુરા, વાડજ અને એરપોર્ટ વિસ્તારમાં કાર્યરત થશે.

​યુનિટ-૪ (બોડકદેવ): બોડકદેવ, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, સરખેજ અને વેજલપુર વિસ્તારમાં નજર રાખશે.

​પ્રિવેન્ટિવ પોલીસિંગ અને ઝડપી કાર્યવાહી:

આ પહેલનો મુખ્ય હેતુ ક્રાઇમ બ્રાન્ચને માત્ર ગુનો બન્યા પછી તપાસ કરતી એજન્સી તરીકે રાખવાનો નથી, પરંતુ ગુનો બને તે પહેલાં જ તેને અટકાવતી ફિલ્ડ-ઓરિએન્ટેડ ફોર્સ તરીકે સશક્ત બનાવવાનો છે. આ નવી યુનિટો સ્થાનિક પોલીસનો વિકલ્પ બનવાને બદલે તેમને સપોર્ટ આપતી ક્રાઇમ-ફોકસ્ડ સિસ્ટમ તરીકે કાર્ય કરશે.

​નિયમિત પેટ્રોલિંગ અને ગુનાહિત માહિતીના સંકલનથી બુટલેગરો, જુગારીઓ, વાહનચોરો, નશીલા પદાર્થોના વેપારીઓ અને ગેંગ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો પર કડક અંકુશ મેળવવામાં આવશે. પોલીસ કમિશનરની આ પહેલથી શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને ગુનેગારોને સ્પષ્ટ સંદેશ મળશે કે “પોલીસની નજરથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ છૂપી રહેશે નહીં”.

Related Posts