દ્વારકાધીશ મંદિરમાં ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી અંગે નવો નિયમ: પૂર્વ મંજૂરી અને ₹૨,૫૦૦ ફી ફરજિયાત

by Bansari Bhavsar

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા સ્થિત શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા મંદિરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વહીવટદાર અને નાયબ કલેક્ટર, શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારા તા. ૦૫/૧૧/૨૦૨૫ ના રોજ જારી કરાયેલા આ પત્ર મુજબ, હવેથી મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મિક પ્રસંગોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ચોક્કસ નિયમો અને ફીનું માળખું નક્કી કરવામાં આવ્યું છે.

​ઠરાવ નં. ૧૧ મુજબ લેવાયેલો નિર્ણય

શ્રી દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિની તા. ૨૭/૧૦/૨૦૨૫ ના રોજ યોજાયેલી બેઠકમાં ઠરાવ નં. ૧૧ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અનુસાર, વૈષ્ણવો દ્વારા મંદિરમાં કરવામાં આવતા વિશેષ ભોગ-મનોરથ, ધ્વજાજી ચડાવવાના પ્રસંગો તેમજ વર્ષ દરમિયાન ઉજવાતા વિવિધ ઉત્સવો સમયે ઈચ્છુક વૈષ્ણવો ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરાવી શકશે.

​ફી અને નિયમોની મુખ્ય વિગતો:

​નિર્ધારિત ફી: આ સેવાનો લાભ લેવા માટે ઈચ્છુક વૈષ્ણવોએ શ્રી દ્વારકાધીશ મંદિરમાં ₹૨,૫૦૦/- ની ફી ભરવાની રહેશે.

​અધિકૃત ફોટોગ્રાફર: આ કામગીરી બહારના કોઈ વ્યક્તિ કે ખાનગી કેમેરાથી નહીં, પરંતુ મંદિર સંસ્થા દ્વારા નિયુક્ત કરાયેલા અધિકૃત ફોટોગ્રાફર પાસે જ જરૂરી શરતોને આધીન રહીને કરાવવાની રહેશે.

​પૂર્વ મંજૂરી: ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરાવતા પહેલાં વહીવટદાર કચેરીની જરૂરી મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે.

​વહીવટદાર કચેરી દ્વારા આ અંગે પુજારી પ્રતિનિધિશ્રી તેમજ ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્ત, દ્વારકાના પ્રમુખશ્રીને પત્ર પાઠવીને વૈષ્ણવોને આ નવી વ્યવસ્થા અંગે માહિતગાર કરવા વિનંતી કરવામાં આવી છે.

​

Related Posts