શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે સાયબર ગઠિયાઓએ અદાણી ગેસનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ બેંક અધિકારી બનીને મોબાઈલ હેક કરી કુલ રૂ. ૧,૮૯,૦૩૪/- ની ઓનલાઈન છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
ઇસનપુરના ગોવિંદવાડી વિસ્તારમાં આવેલા સરદાર ચોક પાસે શ્રીજી શેરીમાં રહેતા રાજુભાઈ નિરંજનભાઈ ભાવસાર (ઉં.વ. ૩૬) એ ગત તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ ઇસનપુર પોલીસ મથકે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સાંજે ૭:૦૦ વાગ્યાના સુમારે રાજુભાઈના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામે છેડેથી વાત કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ અદાણી ગેસના કર્મચારી તરીકે આપી જણાવ્યું હતું કે, “તમારું અદાણી ગેસ કનેક્શનનું બિલ ભરવાનું બાકી છે, જો નહીં ભરો તો તમારું ગેસ કનેક્શન બંધ થઈ જશે.” ત્યારબાદ ગઠિયાએ રાજુભાઈના ફોનમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને પ્રોસેસ પૂરી કરવા માટે રૂ. ૧૨/- નું પેમેન્ટ કરવા કહ્યું હતું. જોકે, તે સમયે રાજુભાઈએ કોઈ પેમેન્ટ કર્યું ન હતું.
બેંક અધિકારી બની ફોન હેક કરી ખાતું સાફ કર્યું
ત્યારબાદ ગત તા. ૦૬/૧૧/૨૦૨૬ ના રોજ ફરી એકવાર અજાણ્યા નંબર પરથી રાજુભાઈને કોલ આવ્યો હતો. ફોન કરનાર શખ્સે “હું કેનેરા બેંકમાંથી વાત કરું છું અને તમારો ફોન હેક થયેલ છે, તેના માટે બધી વિગતો આપો” તેમ કહ્યું હતું. શંકા જતાં રાજુભાઈએ તરત જ ફોન કટ કરી દીધો હતો.
જોકે, અગાઉ ડાઉનલોડ કરાવેલી એપ્લિકેશનના કારણે તેમનો ફોન હેક થઈ ચૂક્યો હતો. ફોન કટ કર્યા બાદ તરત જ રાજુભાઈના મોબાઈલ પર અલગ-અલગ OTP (વન ટાઈમ પાસવર્ડ) આવવા લાગ્યા હતા અને જોતજોતામાં તેમના કેનેરા બેંકના ખાતામાંથી અલગ-અલગ ૮ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૧,૮૯,૦૩૪/- અજાણ્યા શખ્સે ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા.
પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું જણાતા રાજુભાઈએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રી બી.એસ. જાડેજાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.