ખોટી બાતમી આપનાર પતિ જ નીકળ્યો વર્ષ ૨૦૨૨ના ત્રિપલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર

by Bansari Bhavsar

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વર્ષ ૨૦૨૨માં થયેલા ત્રિપલ મર્ડર કેસનો સનસનાટીભર્યો પર્દાફાશ કર્યો છે. પોતાની જ પત્ની અને તેના માનિતા ભાઈને ફસાવવા માટે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ખોટી બાતમી આપવા પહોંચેલો પતિ માધવદાસ ભક્તિરામ સાધુ પોતે જ ત્રણેય હત્યાઓનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે.

​પત્નીથી અદાવતમાં રચ્યું કાવતરું, પણ પોલીસની શંકાથી ખેલ ઊંધો પડ્યો

​ઘટનાની વિગત મુજબ, ધોળકા તાલુકાના વાલથેરા ગામના નિવાસી માધવદાસ સાધુએ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ આવીને બાતમી આપી હતી કે તેની દાદી સાસુ શાન્તાબેન વસાવા (રહે. કોસંબા)નું ચાર-પાંચ વર્ષ પહેલા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા અને અફઝલ ઉર્ફે પોટો દિવાને ખૂન કરીને લાશ ઘરમાં જ સિમેન્ટ સાથે દાટી દીધી છે.

​આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક અફઝલ દિવાનની અટકાયત કરી ઉંડાણપૂર્વક પૂછપરછ કરી હતી, જેમાં અફઝલે આ અંગે કંઈ પણ જાણતા હોવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે બાતમીદાર માધવદાસ અને અફઝલને સાથે રાખીને જીણવટભરી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં માધવદાસ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે તેની પત્ની ઉર્મિલા છેલ્લા નવ માસથી પોતાના પુત્ર, સોના-ચાંદીના દાગીના અને રોકડ લઈને જતી રહી છે. પત્ની અને અફઝલ તેને જેલમાં પુરાવી દેશે તેવા ડરથી તેણે અફઝલ વિરુદ્ધ ખોટી બાતમી આપી હતી.

​ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ગુનાઓની સનસનાટીભરી કબૂલાત

​પોલીસની સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન માધવદાસે પોતાની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા સાથે મળીને કરેલી ત્રણ-ત્રણ દર્દનાક હત્યાઓની વિગતવાર કબૂલાત કરી હતી:

​૧. દાદી સાસુ શાન્તાબેન વસાવાની હત્યા (મિલકત પચાવી પાડવાનો હેતુ)

​તારીખ: ૦૭/૧૦/૨૦૨૨

​મૃતક: શાન્તાબેન ગંભીરભાઈ વસાવા (ઉંમર ૮૫ વર્ષ)

​મોડસ ઓપરેન્ડી: દાદી સાસુ ખાટલામાં સૂતા હતા ત્યારે ઓશીકા વડે શ્વાસ રૂંધાડીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ લાશને એક ડ્રમ (બેરલ)માં નાખીને તેમાં સિમેન્ટની ત્રણ થેલીઓ પાણી સાથે ઉમેરી ડ્રમ બંધ કરી ઘરમાં મૂકી દેવામાં આવ્યું હતું. સાડા ત્રણ માસ પછી ડ્રમ કાપીને સિમેન્ટ સાથેની લાશને ઘરની ઓસરીમાં ખાડો ખોદી દાટી દેવાઈ હતી. બેય પતિ-પત્નીએ પોતપોતાના સગાંઓને દાદી કોરોનામાં અથવા કોસંબા ખાતે મરણ પામ્યા હોવાની ખોટી હકીકત જણાવી મિલકત પચાવી પાડી હતી.

​૨. પોતાની સગી માતા મંજુલાબેનની હત્યા (સેવા-ચાકરીથી કંટાળીને)

​તારીખ: ૧૯/૦૭/૨૦૨૨

​મૃતક: મંજુલાબેન ભક્તિરામ સાધુ (ઉંમર ૬૫ વર્ષ)

​મોડસ ઓપરેન્ડી: માધવદાસની માતાને લકવાની બીમારી હોવાથી તેઓ પથારીવશ હતા અને શરીરે ચાંદા પડી ગયા હતા. તેમની સાર સંભાળથી કંટાળીને પતિ-પત્નીએ રાત્રિના સમયે ઓશીકા વડે મોં દબાવીને તેમની હત્યા કરી નાખી હતી. ગામલોકો તથા સગાંઓને લકવાની બીમારીથી મરણ થયાનું કહી ધોળકાના ચકલી તળાવ સ્મશાનમાં તેમના અગ્નિદાહ આપી દીધા હતા.

​૩. સાળી ભારતીબેન વસાવાની હત્યા (દવાના ખર્ચના કંટાળાથી)

​તારીખ: ૨૫/૦૨/૨૦૨૨

​મૃતક: ભારતી ઉર્ફે ભગવતી (કમલેશભાઈ વસાવાની પત્ની)

​મોડસ ઓપરેન્ડી: પતિના અવસાન બાદ ભારતીબેન દાદી શાન્તાબેન સાથે કોસંબા ખાતે રહેતા હતા અને ટી.બી.ની ગંભીર બીમારીથી પીડાતા હતા. તેમના ખબર-અંતર પૂછવા અને દવાનો ખર્ચ આપવો પડતો હોવાથી કંટાળીને રાત્રિના સમયે ઓશીકાથી શ્વાસ રૂંધીને તેમની હત્યા કરી દીધી હતી. ટી.બી.થી મરણ પામ્યાની જાહેરાત કરી કોસંબા ખાતે જ તેમની દફનવિધિ કરાવી દીધી હતી.

​આગળની કાનૂની કાર્યવાહી

​ખોટી બાતમી આપવાની એક નાની ભૂલે માધવદાસ અને તેની પત્ની ઉર્મિલા દ્વારા આચરવામાં આવેલા ત્રિપલ મર્ડરનો પર્દાફાશ કરી દીધો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts