અમદાવાદ: મકરબા બ્રિજ પરથી યુવકે કૂદીને કરી આત્મહત્યા, સ્થળ પર જ નીપજ્યું મોત

by Bansari Bhavsar

અમદાવાદ:

શહેરમાં આવેલા નવનિર્મિત મકરબા બ્રિજ પરથી એક યુવકે કૂદીને આપઘાત કર્યાની દુઃખદ ઘટના સામે આવી છે. ૧ ઓક્ટોબરે બપોરના સમયે યુવક બ્રિજ પર ટુ-વ્હીલર લઈને આવ્યો હતો અને વાહન પાર્ક કર્યા બાદ બ્રિજ પરથી નીચે છલાંગ લગાવી દીધી હતી. બ્રિજ પરથી નીચે પડાતાં જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

​ઘટનાની જાણ થતાં જ સરખેજ પોલીસ ટીમ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ વેજલપુરના રહેવાસી ૩૩ વર્ષીય પાર્થ સોયંત્રા તરીકે થઈ હતી. બનાવ અંગે જાણ થતાં મૃતકના પરિજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

​સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.એલ. ચાવડાના જણાવ્યા મુજબ, યુવક હાલમાં કોઈ કામ-ધંધો કરતો ન હતો. યુવકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. પરિવારના સભ્યોના પૂછપરછ અને નિવેદન નોંધાયા બાદ જ આપઘાત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

Related Posts