અમદાવાદ શહેરમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ હેક કરી રૂ. ૧.૫૬ લાખ ટ્રાન્સફર કરી લેવાની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે જવેલર્સ સાથે રૂ. ૧.૭૯ કરોડથી વધુની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
૧. મોબાઈલ હેક કરીને ઓનલાઈન રૂ. ૧.૫૬ લાખ ટ્રાન્સફર કર્યા
શહેરકોટડા:
મેમ્કો નરોડા રોડ પર આવેલા પ્રેમનગર, રાજપુરોહિતની ચાલીમાં રહેતા દીવાનસિંહ રામવીરસિંહ કોરી (ઉં.વ. ૪૦) એ ૩૦ સપ્ટેમ્બરના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧ ઓગસ્ટના રોજ બપોરે આશરે ૧:૦૦ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિએ દીવાનસિંહનો મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. ત્યારબાદ ગુગલ-પે (Google Pay) ના માધ્યમથી તેમના અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. ૧,૫૬,૦૦૦/- ટ્રાન્સફર કરીને છેતરપિંડી આચરી હતી.
આ બાબતે ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જી. રાઠોડ ચલાવી રહ્યા છે.
૨. ચેરિટી અને દાનના નામે જવેલર્સ સાથે રૂ. ૧.૭૯ કરોડની છેતરપિંડી
ક્રાઇમ બ્રાન્ચ:
નારણપુરામાં વરદાન ટાવર પાછળ સંગમ પેરેડાઈઝ ખાતે રહેતા જયેશકુમાર કનૈયાલાલ શાહ (ઉં.વ. ૫૫) એ ૩૦ સપ્ટેમ્બરના રોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવી છે.
જે મુજબ, ૬ ઓક્ટોબર ૨૦૨૪ થી ૬ ઓગસ્ટ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન રાણીપ મેઈન રોડ પર શાક માર્કેટ પાસે આવેલા અરવિંદ બુચ સોસાયટીના કોમ્પ્લેક્ષમાં આવેલી તેમની “પાયલ જવેલર્સ” નામની દુકાને આરોપી જયેશભાઈ નરોત્તમભાઈ રાઠોડ (રહે. અમરાઈવાડી) આવ્યા હતા. આરોપીએ પોતે એક ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી હોવાનું જણાવ્યું હતું અને ફાઉન્ડેશન તરફથી દરેક સમાજની દીકરીઓને સોના-ચાંદીનું દાન આપવાનું છે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા.
આરોપીએ અલગ-અલગ સમયે પાયલ જવેલર્સમાંથી:
સોનાના દાગીના: રૂ. ૨,૬૨,૪૬,૦૩૩/-
ચાંદીના દાગીના: રૂ. ૨૪,૩૮,૨૨૧/-
કુલ ખરીદી: રૂ. ૨,૮૬,૮૪,૨૫૪/-
જેમાંથી આરોપીએ રૂ. ૧,૦૭,૩૯,૦૨૯/- ચૂકવ્યા હતા, જ્યારે બાકી નીકળતા રૂ. ૧,૭૯,૪૫,૨૨૫/- ની રકમ ન ચૂકવીને જયેશકુમાર શાહ સાથે મોટો વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.કે. ડીંડોર ચલાવી રહ્યા છે.